માલદીવની રાજધાની માલેમાં ગુરુવારે વિદેશી કામદારો રહેતા હતા તે બિલ્ડિંગના નીચેના ગેરેજમાં ભીષણ આગ ફાટી નીકળતાં આઠ ભારતીયો સહિત 10ના મોત થયા હતા, એમ ભારતીય હાઈ કમિશનના અધિકારીએ જણાવ્યું હતું.માવેયો મસ્જિદ પાસેના એમ. નિરુફેહી વિસ્તારમાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગમાં બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકાના 38 કામદારો હતા અને દરેક બેડની બાજુમાં ગેસ સિલિન્ડર હતું.
માલેમાં ભારતીય હાઈ કમિશનમાં કામ કરતા કલ્યાણ અધિકારી રામધીર સિંહે જણાવ્યું હતું કે, દસ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેમાંથી આઠ ભારતીય નાગરિકો હતા. અમે હજુ અન્ય બે મૃતકોની રાષ્ટ્રીયતાની ખાતરી થઈ નથી. એક ટ્વિટમાં ભારતીય હાઈ કમિશને કહ્યું હતું કે મૃતકની ઓળખની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય મિશન સ્થાનિક અધિકારીઓ સાથે નજીકના સંપર્કમાં છે. હાઈ કમિશન અસરગ્રસ્ત ભારતીય નાગરિકોના પરિવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગેરેજ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે. પ્રથમ માળે માઇગ્રન્ટ કામદારો રહેતા હતા. ઈમારતમાંથી 28 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી 19ને તેમના નોકરીદાતા કંપનીને સોંપવામાં આવ્યા હતા. ગેસ કટરથી કામ કરતી વખતે બેદરકારીને કારણે આગ લાગી હોવાનો માનવામાં આવે છે.
માલેની 2.50 લાખની વસતિમાં વિદેશી કામદારોની સંખ્યા અડધો અડધ છે. જેઓ મોટાભાગે બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના છે.