કેનેડાના સાસ્કેચવાનમાં રવિવારે માસ સ્ટેબિંગ્સ (સામુહિક છુરાબાજી) ની ઘટનાંમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને બીજા 15 લોકોને ઇજાઓ થઈ હતી.
સાસ્કેચવાન રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે આ ઘટનામાં બે શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ આદરી છે અને તેમના વિશે એલર્ટ જારી કર્યું હતું. સીબીસીના રીપોર્ટ મુજબ જેમ્સ સ્થિમ ક્રી નેશન અને વેલ્ડનમાં આ ઘટના પછી મેલફોર્ટ પોલીસે રાજ્યવ્યાપી એલર્ટ ઇસ્યુ કર્યું હતું. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઓછામાં 15 ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, શંકાસ્પદ બે વ્યક્તિઓને શોધી રહ્યા છે. આ કથિત હુમલાખોરો ઘટનાને અંજામ આપીને એક વાહનમાં ભાગી છૂટ્યા હતા, આ હુમલાખોરોની ઓળખ માયલ્સ અને ડિમીયન એન્ડરસન તરીકે થઇ છે, તેમની ઉંમર અનુક્રમે 30 અને 31 વર્ષની છે. તે બંને વાળ કાળા અને આંખો બ્રાઉન છે.
જેમ્સ સ્મિથ ક્રી નેશનમાં 2500 જેટલા લોકો વસે છે અને ત્યાં સ્થાનિક કક્ષાએ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સાસ્કેચવાન પ્રાંતના ઘણા રહેવાસીઓને સ્થળ ઉપર જ આશ્રય આપવા માટે અરજ કરવામાં આવી હતી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વીટર પર આ હુમલાને ભયાનક અને હૃદયદ્રાવક ગણાવીને શોક સંદેશો પાઠવ્યો હતો અને રહેવાસીઓને સત્તાધિશોની સૂચનાઓનું પાલન કરવા અરજ કરી હતી. બ્લેકમોરે જણાવ્યું હતું કે, કેટલાક પીડિતોને શંકાસ્પદ હુમલાખોરોએ ટાર્ગેટ કર્યા હતા, તો કેટલાક પીડિતો પર વગર કારણે હુમલો કર્યો હતો.
વેલ્ડનના રહેવાસી ડાયેન શિઅરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, તેમનાં પડોશમાં પોતાના પૌત્ર સાથે રહેતા એક પુરુષનું આ હુમલામાં મૃત્યુ થયું છે. મેં એક સારા પડોશી ગુમાવ્યા હોવાથી હું ખૂબ જ દુઃખી છું.
બ્લેકમોરે જણાવ્યું હતું કે, પોલીસને જેમ્સ સ્મિથ ક્રી નેશનમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે 5.40 કલાકે આ ઘટનાની જાણ થતાં તરત જ સ્ટેબિંગના કોલ્સ આવ્યા હતા. જુદા જુદા 13 સ્થળોએ છૂરાબાજી થઇ હતી. આ બંને શંકાસ્પદોને શોધવા માટે હાઇવે અને માર્ગો પર મોટા પ્રમાણમાં પોલીસ મુકવામાં આવી હતી.
રેજિનામાં આ બંને શખ્સ દેખાયા હોવાની બાતમી મળ્યા પછી નજીકના મેનિટોબા અને આલ્બર્ટા પ્રોવિન્સમાં એલર્ટ જાહેર કરાયું હતું અને શકમંદો માટેની શોધખોળ વિસ્તૃત કરવામાં આવી હતી. સાસ્કેચવાન હેલ્થ ઓથોરિટીએ ગંભીર દર્દીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સાસ્કાટૂન અને રેજિનાથી ત્રણ હેલીકોપ્ટર્સ મોકવામાં આવ્યા હતા.