સોમવારે શરૂ થયેલી સરકારની જોબ રીટેન્શન યોજના અંતર્ગત વેજ બિલ ચૂકવવા માટે 140,000થી વધુ કંપનીઓએ મદદ માટે સરકારને અરજી કરી છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને રજા પર મૂકવામાં આવશે તો તેમના વેતનના 80% રકમ અથવા £2,500 સુધીનું ભંડોળ પ્રતિમાસ પૂરું પાડવામાં આવશે. લોકડાઉનને કારણે ઘણા “ફર્લો” થવાની અપેક્ષા છે.
દરમીયાનમાં લંડનની હોસ્પિટલોમાં સતત સાતમા દિવસે કોરોનાવાયરસ ધરાવતા લોકોની સંખ્યા ઘટી છે. પ્રો. ડેમ એન્જેલા મેક્લીને કહ્યું હતુ કે ‘’આખા દેશમાં સંખ્યા “સ્થિર છે, પરંતુ અહીં લંડનમાં સતત સાતમા દિવસે તે સંખ્યા ઘટી છે. અમે દેશભરમાં તે ઘટે તેની રાહ જોઈ રહ્યા છીએ. યુકેમાં કોરોનાવાયરસ ચેપ વધતો બંધ થયો છે અને હવે તે ખૂબ સ્થિર અને સપાટ છે”.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સોમવારે તા. 20ના રોજ પ્રેસ બ્રીફિંગમાં બોલતા ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યુ હતુ કે ‘’સરકારના સહાયથી એક મિલિયનથી વધુ લોકોનું વેતન ચૂકવવામાં મદદ મળશે. સિસ્ટમ એક કલાકમાં 450,000 જેટલી અરજીઓ પર પ્રોસેસ કરી શકે છે અને અરજદારોને અરજી કર્યાના છ વર્કીંગ ડેમાં પૈસા મળી જશે. આ યોજનાથી એવા લોકોને મદદ મળશે જેમની કંપનીને ફર્લો સ્કીમ હેઠળ સહાય મળી ન હોત તો તેમની નોકરીઓ ગુમાવવાની શક્યતાઓ હતી.’’
શુક્રવારે સુનકે ઘોષણા કરી હતી કે ‘’વેતન સબસિડી યોજના જૂન મહિનાના અંત સુધી લંબાશે. યુકેમાં લોકડાઉન પ્રતિબંધો “ઓછામાં ઓછા” બીજા ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેશે તેની જાહેરાત બાદ આ પગલું આવ્યું છે. 12,000 બિઝનેસ લોનને મંજૂરી આપવામાં આવી છે જે અઠવાડિયા પહેલા કરતા બમણી સંખ્યા છે. પ્રગતિના ચિન્હો છે જે હું ખૂબ કાળજીપૂર્વક જોઈ રહ્યો છું.’’
HMRCના ચીફ એક્ઝિક્યુટિવ જિમ હારાએ બીબીસીના ટુડે પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, ‘’સિસ્ટમ સવારે 8 વાગ્યે શરૂ થતા જ પહેલા અડધા કલાકમાં એમ્પલોયર્સે 67,000 નોકરી માટે દાવા કર્યા હતા. આ મહિને પગારની તારીખ 30મી છે અને તેથી એમ્પલોયર્સ બુધવાર સુધીમાં દાવો કરશે તો તા. 30મી એપ્રિલના રોજ તેમના ખાતામાં પૈસા મળી જશે. આ યોજનાનો લાભ 19મી માર્ચ સુધીમાં નોકરી શરૂ કરનારને મળશે.’’
હારાએ આ યોજનાનો ખર્ચ કેટલો થશે તેની આગાહી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ £42 બિલીયનના ખર્ચનો અંદાજ છે. પરંતુ યોજના હવે એક મહિનો જૂન સુધી લંબાવાઇ છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે એચએમઆરસી યોજનાની માંગ સાથે સામનો કરી શકે છે.