તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપ પછી એક ભારતીય ગુમ છે અને ભારતના 10 લોકો દૂરના વિસ્તારમાં ફસાયેલા છે, પરંતુ સુરક્ષિત છે. તુર્કીમાં ભારતીય લોકોની સંખ્યા આશરે 3,000 છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.
ભારતે તુર્કીના અદાના ખાતે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. 10 ભારતીયો ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ફસાયા છે. બિઝનેસ વિઝિટ માટે ગયેલા એક ભારતીય નાગરિક ગુમ છે. સરકાર તેમના પરિવાર અને બેંગલુરુ સ્થિત કંપનીના સંપર્કમાં છે.
બીજી તરફ તુર્કી અને સિરિયામાં મૃત્યુઆંક વધીને 11200 થયો હતો અને ઘાયલોની સંખ્યા વધીને 25,000 થઈ હતી. ભુકંપગ્રસ્ત બંને દેશોને મદદ કરવા માટે ભારત સહિતના 70 દેશો આગળ આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક 20,000ને પાર કરી જવાની શક્યતા છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 8,000 લોકોને બચાવવામાં આવ્યા છે. તુર્કીના પ્રેસિડન્ટ રિસેપ તૈયપ એર્દોગને 10 રાજ્યમાં ત્રણ મહિના માટે ઇમર્જન્સીની જાહેરાત કરી છે.
ભૂકંપથી આશરે 23 મિલિયન લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનો અંદાજ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તુર્કીમાં 8,574 લોકોના મોત થયા હતા, જ્યારે સિરિયામાં 2,662ના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 11,236 થયો હતો. મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે વિનાનક ભૂકંપથી 23 મિલિયન લોકો અસરગ્રસ્ત બન્યા હોવાની શક્યતા છે.