પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ટેકરી પર ગુરુવારે વિશ્રામ કુટિરનો ગુંબજ એકાએક તૂટી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 8 યાત્રાળુ ઘાયલ થયાં હતા. પત્થરોથી બનેલું નવનિર્મિત ગુંબજ આકારનું માળખું અચાનક ધરાશાયી થયું હતું. મહિલાઓ સહિત નવ શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ઘાયલ થયેલા અન્ય આઠને પહેલા હાલોલ શહેરની હોસ્પિટલમાં રિફર કરાયા હતા અને બાદમાં તેઓને વધુ સારી સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃતકની ઓળખ ગંગાબેન દેવીપૂજક (40) તરીકે કરી હતી.
ગયા વર્ષે જૂનમાં વડા ધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ટેકરી પર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.પંચમહાલના કલેક્ટર આશિષ કુમારે આ મામલે તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પાવાગઢ ટેકરીની ટોચ પર કાલી દેવીનું મંદિર આવેલું છે અને ત્યાં દરરોજ હજારો ભક્તોને દર્શન કરવા આવે છે. પાવાગઢની તળેટીને માચી કહેવામાં આવે છે, જ્યાં તાજેતરમાં કોતરેલા પથ્થરોથી બનેલું ગુંબજ જેવું માળખું બનાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ આરામ માટે કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. આ દરમિયાન વીજળી પડવાને કારણે વિશ્રામ કુટીરનો એક ભાગ તૂટી પડ્યો હોવાની અટકળો થતી હતી.