કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝની સિદ્ધીના બીજા દિવસે રાષ્ટ્રવ્યાપી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સફળતા દર્શાવે છે કે આ ન્યૂ ઇન્ડિયા છે, જે મુશ્કેલ ટાર્ગેટ નિર્ધારિત કરી શકે અને તેને હાંસલ કરી શકે છે. રસીકરણ અભિયાનના નવ મહિનામાં 100 કરોડ ડોઝ આપવામાં ભારતની સફળતાએ એવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે કે જેમને ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે.
કોરોના મહામારીનો મુદ્દે વિરોધ પક્ષો અને ટીકાકારોના હુમલાનો જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે 100 કરોડ ડોઝ ઇતિહાસનો નવો અધ્યાય છે અને તે ભારતની ક્ષમતા દર્શાવે છે. કેટલાંક લોકોએ સવાલ કર્યા હતા કે ‘તાળી-થાળી’ના કાર્યક્રમ અને દિવા પ્રગટાવવાથી મહામારીને કેવી રીતે નાબૂદ કરી શકાશે. પરંતુ આ પગલાં લોકોની ભાગીદારી અને એકતાનું પ્રતિક હતા. ભારતનો વેક્સિનેશન પ્રોગ્રામ સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનું સૌથી મજબૂત ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું હતું કે તમામ માટે ગર્વની વાત છે કે દેશનો વેક્સિનેશન પ્રોગ્રામ વિજ્ઞાનના ખોળામાં જન્મ્યો છે, વૈજ્ઞાનિક આધારે ચાલ્યો છે અને વિજ્ઞાન આધારિત છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારતના લોકોને વેક્સિન મળશે કે નહીં, ભારત તમામ લોકોને વેક્સિન આપવાની ક્ષમતા ધરાવે છે તેવા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ 100 કરોડ ડોઝની સિદ્ધી આ તમામ સવાલોનો જવાબ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે 100 કરોડ ડોઝ માત્ર એક આંકડો નથી, પરંતુ દેશની ક્ષમતાનું પ્રતિક અને ન્યૂ ઇન્ડિયાનું પ્રતિબિંબ છે. આ સિદ્ધી નવો અધ્યાય લખે છે કે આ એક એવો છે કે જે મુશ્કેલ ટાર્ગેટ નિર્ધારિત કરી શકે છે અને તેને હાંસલ પણ કરી શકે છે.
તહેવારોમાં હથિયાર ફેંકી ન દેવા અનુરોધ
તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને સાવધ રહેવાનો અનુરોધ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ ગમે તેટલા ઉત્તમ હોય, આધુનિક હોય, સુરક્ષાની સંપૂર્ણ ગેરન્ટી આપતા હોય પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી હથિયાર ફેંકી ન દેવાય. તહેવારો દરમિયાન સતર્ક રહો, માસ્કને આદત બનાવી લો.
ભારત પર વિશ્વભરમાંથી અભિનંદનની વર્ષા
ભારતે 100 કરોડ ડોઝની ઐતિહાસિક સફળતા મેળવ્યા બાદ વિશ્વભરના દેશના નેતાઓએ ભારતને અભિનંદન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને ટ્વીટર પર જણાવ્યું હતું કે મારા મિત્ર મોદી અને તેમની સરકારને અભિનંદન. માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેસ્ટ્સે ભારતની સિદ્ધની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ સિદ્ધ ભારતની ઇવોનેશનની મોટાપાયે ઉત્પાદન કરવાની ક્ષમતાનો પુરાવો છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથે પણ ભારત અને વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા.