કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનના નવ મહિના બાદ ભારત એક બિલિયન ડોઝનો સિમાચિહ્ન હાંસલ કર્યો હતો. કોરોના સામેના જંગ સામેના આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને દેશને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને આ સિદ્ધિને ભારતના વિજ્ઞાન, એન્ટરપ્રાઇઝ અને 130 કરોડ ભારતીય સામુહિક ભાવનાનો વિજય ગણાવ્યો હતો.
તેઓ અહીં લગભગ 20 મિનિટ રોકાયા હતા. આ દરમિયાન તેમણે હેલ્થકેર વર્કરો સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક દિવ્યાંગો અને હોસ્પિટલ સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી હતી. અહીં મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો ડોઝ આપવામાં આવ્યો હતો.
પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે દેશને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા કવચ મળ્યું છે. મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપ્યા છે. મોદીએ કહ્યું કે આજે ઉત્સાહ છે અને જવાબદારીની ભાવના પણ છે કે આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો છે.આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ વોર રૂમમાં સ્ટાફ સાથે વાત કરી અને તેમને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા.
બુધવારની બપોર સુધીમાં વેક્સિનનના આશરે 99.4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. વિશ્વમાં અત્યાર સુધી એકમાત્ર ચીને વેક્સિનના 100 કરોડ ડોઝ આપ્યા છે. ચીને જૂનમાં એક અબજના આ મહત્ત્વના આંકને હાંસલ કર્યો હતો. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સરકારે એક દિવસમાં વેક્સિનના આશરે 2.5 કરોડ ડોઝ આપ્યાં હતા. એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોય તેવો આ ચોથો પ્રસંગ હતો. જોકે આ પછી ડોઝની વાસ્તવિક સંખ્યા અંગે કેટલાંક સવાલો પણ ઉઠ્યા હતા, કારણ કે મધ્યપ્રદેશમાં કેટલીક આઘાતજનક વિસંગતતા જોવા મળી હતી. મધ્યપ્રદેશમાં મૃત વ્યક્તિઓને પણ રસી આપવામાં આવી હોવાના કેટલાંક અહેવાલ આવ્યા હતા.
કોરોનાના અજાણ્યા અને અણધાર્યા જોખમની વચ્ચે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાની કામગીરી સરકારની મોટી સિદ્ધી ગણી શકાય છે, કારણ કે મહામારીનું સ્વરૂપ વિકરાળ હતું. આ ઉપરાંત વેક્સિનના સંશોધન, ઉત્પાદન, વિતરણ અને ડિલિવરી સંબંધિત અનેક પડકારો હતો.
જોકે 100 કરોડ વેક્સિન ડોઝની ઉજવણીમાં સંભવિત રેડ ફ્લેગની અવગણના ન કરવી જોઇએ. દેશની આશરે 1.4 અબજની વસતિમાંથી માત્ર 20 ટકા લોકોને હજુ બંને ડોઝ મળ્યા છે. વધુમાં, વર્ષની સૌથી મોટી ઉત્સવોની સિઝન આવી છે ત્યારે આશરે 51 ટકા લોકોને અત્યાર સુધી વેક્સિનનો માત્ર એક ડોઝ મળ્યો છે. એક ડોઝથી વાઇરસ સામે 30થી 50 ટકા રક્ષણ મળતું હોવાનો અંદાજ છે.
સરકારે જણાવ્યું છે કે વેક્સિન માટે પાત્રતા ધરાવતા ઘણા લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી, જોકે સરકારે આવા લોકોની સંખ્યા જાહેર કરી નથી. તેલંગણામાં આશરે 25 લાખ લાભાર્થીએ જૂન જુલાઇમાં પ્રથમ ડોઝ લીધો હતો, પરંતુ બીજો ડોઝ લીધો નથી. ભારતમાં આંશિક રીતે અને સંપૂર્ણ વેક્સિનેશન વચ્ચેનો તફાવત વિશ્વમાં સૌથી વધુ છે.દેશમાં કોરોનાથી આશરે 4.52 લાખ લોકોના મોત થયા છે ત્યારે આ બાબત ચિંતાજનક છે.