ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં ૧,૮૬,૯૧૮ ભારતીય અને ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ મુલાકાતમાંથી રાજ્ય સરકારને રૂ. ૪, ૯૨,૦૦,૩૫૦ની આવક થઇ હતી. સરકાર આ આવકનો ઉપયોગ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓ વધારવા માટે કરે છે.
પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી ૧૦ દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો ૭૫% રકમ, ૫ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૫૦% રકમ, ૨ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૨૫% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી.

LEAVE A REPLY