છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2011 પછી અત્યાર સુધીમાં 1.6 મિલિયન ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો છે. 2017માં આશરે 1.33 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. પાંચ વર્ષ પછી ઓક્ટોબર સુધીમાં આ પોતાની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા વધીને આશરે 1.83 લાખ થઈ છે.
શુક્રવારે લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને આપેલી માહિતી મુજબ, 2015માં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનાર ભારતીયોની સંખ્યા 1,31,489 હતી. આ સંખ્યા 2016માં 1,41,603, 2017માં 1,33,049, 2018માં 1,34,561 થઈ હતી. આ ઉપરાંત ભારતીય નાગરિકતા છોડનારની સંખ્યા 2019માં 1,44,017 અને 2020માં 85,256 થઈ હતી. 2021માં આ સંખ્યા 1,63,370 રહી છે.
રાજ્યસભામાં લેખિત જવાબમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સિવાયના દેશોના નાગરિકોએ ભારતીય નાગરિકતા સ્વીકારી હોય તેવા લોકોની સંખ્યાની પણ માહિતી આપવામાં આવી હતી. મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ 2022માં 60 વિદેશીઓએ ભારતીય નાગરિકતા લીધી હતી.