રાજકોટમાં શરદપૂનમની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ‘માડી ‘ગરબા ઉપર ગરબે રમીને સર્વાધિક સંખ્યામાં એક સ્થળે ગરબે રમવાનો વિશ્વ વિક્રમ બન્યો હતો. 1.21 લાખ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ‘માડી’ ગરબા પર બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલ સંગાથ ગરબે ઘૂમ્યા હતાં.
28 ઓક્ટોબરના આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સ્થાનિક રાજ્યસભા અને લોકસભાના સભ્ય, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, શહેરના મેયર અને અન્ય પક્ષના પદાધિકારીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોએ જાહેરાત કરી હતી કે આ ગરબા કાર્યક્રમમાં 1.21 લાખ લોકોની હાજરી સાથે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
એક સ્થળે સર્વાધિક સંખ્યામાં ભારતની પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ ગરબી રમવાનો રેકોર્ડ ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. આ માટે તડામાર તૈયારીઓ થઈ હતી. નામનું રજીસ્ટ્રેશન કરાયું હતું. ગરબાના સ્થળે સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિઓએ રેકોર્ડ જાહેર કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવરાત્રી પર્વ દરમિયાન માં અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ પણ કરે છે. તેમણે માં અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો “માડી” રચ્યો હતો. આ ગરબા પર આજે અહીં લાખોની મેદનીમાં લોકો ગરબે રમવા પધાર્યા છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત પર મા અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના પાટીલ વ્યક્ત કરી હતી.