સ્લાઉના લેબર સાંસદ અને યુકે પાર્લામેન્ટના પ્રથમ પાઘડીધારી શિખ તનમનજીત સિંઘ ઢેસીએ ૧૯૮૪માં અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર પર કરાયેલા હુમલાની સ્વતંત્ર તપાસ માટે પાર્લામેન્ટમાં હાકલ કરી હતી.
એમપી ઢેસીએ સંસદમાં પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે “૧૯૮૪માં તત્કાલીન ભારત સરકારે અમૃતસરમાં સુવર્ણ મંદિર સંકુલ પર હુમલો કરવાનો આદેશ આપતા વૈશ્વિક શીખ સમુદાયને આઘાત લાગ્યો હતો. જેના કારણે વિનાશક વિનાશ અને રક્તપાત થયો હતો અને હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બનાવના ત્રીસ વર્ષ પછી અમારા માટે આઘાતજનક નવા દસ્તાવેજોએ ખુલાસો કર્યો હતો કે તત્કાલિન થેચર સરકારે તે લશ્કરી કાર્યવાહી પહેલાં સલાહ આપીને તેમના ભારતીય સમકક્ષને મદદ કરી હતી. બ્રિટિશ શીખ સમુદાયે તે માટે સ્વતંત્ર તપાસ માટે ઝુંબેશ શરૂ કરી હતી. પણ અગાઉની કોન્ઝર્વેટિવ સરકારોએ આ મુદ્દાને કાર્પેટ હેઠળ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. આ તબક્કે શીખોએ નવી લેબર સરકાર પાસેથી તેના વચન મુજબ સ્વતંત્ર તપાસ સ્થાપિત કરવાની અપેક્ષા રાખી હતી.’’
હાઉસ ઓફ કોમન્સના નેતા, લ્યુસી પોવેલે જવાબ આપતા કહ્યું હતું કે “હું જાણું છું કે આ મુદ્દો યુકેભરના શીખ સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને યોગ્ય છે. આપણે શું થયું તેના તળિયે જવાની જરૂર છે, અને હું ખાતરી કરીશ કે જવાબદાર મિનિસ્ટર આ બાબતે વધુ ચર્ચા કરવા માટે તેમના સંપર્કમાં રહે.”