બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્માંતરણ કરાયેલી 14 વર્ષીય સગીર વયની હિન્દુ યુવતી મહેક કુમારીને ન્યાય અપાવવાની માંગ સાથે પાકિસ્તાની માનવાધિકાર કાર્યકરો અને ભારતીય સમુદાયના સભ્યોએ સોમવારે તા. 17ના રોજ લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સતત બીજા દિવસે પણ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. રવિવારે પણ આયોગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુકેના ભારતીય ડાયસ્પોરા દ્વારા લાલકર સોશિયલ ફોરમના સહયોગથી આ દેખાવો યોજવામાં આવ્યા હતા. વિરોધમાં ભાગ લેવા ઇન્ટરનેશનલ ફ્રેન્ડ્સ ઑફ સિંધના આયોજક મીર સલીમ પણ જર્મનીથી આવ્યા હતા. વિરુદ્ધ દેખાવો કરતી વખતે લોકોએ પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્લેકાર્ડ રાખ્યા હતા અને વિવિધ સુત્રોચ્ચાર કર્યા હતા.
એક વિરોધકર્તાએ કહ્યું હતુ કે “હું અહીં લઘુમતી યુવતીઓના હક્કોની રક્ષા માટે પાકિસ્તાની હાઈ કમિશનની સામે આવેલ છું. તેઓ ખ્રિસ્તી, શીખ અને હિંદુ યુવતીઓનુ અપહરણ કરી રહ્યા છે. મહેક કુમારીને બળજબરીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. અમે ઇચ્છીએ છીએ કે ખાસ કરીને લઘુમતીઓના ઇસ્લામિક ધર્મપરિવર્તન પર યોગ્ય પ્રતિબંધ હોવો જોઈએ.”
સોમવારે એક વિરોધ પ્રદર્શનકારે જણાવ્યું હતું કે ‘’અમે અહીં મહેક કુમારીને ન્યાય આપાવવા માગણી કરવા એકઠા થયા છીએ અને સંદેશ આપવા માંગીએ છીએ કે મહેક તેની લડતમાં એકલી નથી. પાકિસ્તાન પોતાની લઘુમતીઓ સાથે જે રીતે વર્તન કરે છે તે અંગે અમે ચૂપ રહી શકતા નથી.
મહેકનુ ગત તા. 15મી જાન્યુઆરીએ સિંધ પ્રાંતના જેકોબાબાદ જિલ્લામાં એક આધેડ વયના અલી રઝાએ અપહરણ કરી તેની સાથે લગ્ન કરી લીધા હતા. યુવતીએ કહ્યું હતું કે તેને ઇસ્લામ સ્વીકારવાની ફરજ પાડી હતી, જેના કારણે ઇસ્લામિક કટ્ટરપંથી લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. 9મા ધોરણની વિદ્યાર્થીની મહેકના પિતાએ એફઆઈઆર નોંધાવતા દાવો કર્યો હતો કે રઝાએ તેનું અપહરણ કરી જબરજસ્તી લગ્ન કર્યાં હતાં.
કેટલાક પાકિસ્તાની મૌલવીઓ ‘પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યો છે’ તેવા અગાઉના નિવેદનમાંથી અદાલતમાં પીછેહઠ કરનાર સગીર યુવતી મહેકને પોતાના ધર્મનો ત્યાગ કરવા માટે દોષીત ઠેરવીને ઈસ્લામનું અપમાન કર્યાનો આરોપ લગાવી મોતની સજાની માંગ કરી રહ્યા છે.
દરમિયાન કોર્ટે ચુકાદો સંભળાવતા પહેલા મહેક કુમારીને સિંધના લરકાના જિલ્લાની સ્થાનિક દાર-ઉલ-અમનમાં અગિયાર દિવસ માટે મોકલી આપી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર સિંધ લઘુમતી બાબતોના પ્રધાન હરિરામ કિશોરી લાલે મહેક કુમારીના પરિવારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. સિંધ સરકાર પરિવાર અને હિન્દુ જૂથના વલણને પૂર્ણ સમર્થન આપે છે. પાકીસ્તાની કાયદા હેઠળ મહેક કુમારી 18 વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન કરી શકશે નહીં એમ લાલે કહ્યું હતું.
પાકિસ્તાનમાં શીખ, હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ વ્યાપક છે જેની વિશ્વભરમાં વ્યાપક ટીકા થઈ છે. આ જ કારણે ઘણા પીડિત પરિવારોને ભારત સહિત વિદેશમાં સ્થળાંતર કરવાની ફરજ પાડે છે. સિંધ પ્રાંતમાં આ એક મોટો મુદ્દો રહ્યો છે જ્યાં મોટાભાગના પાકિસ્તાની હિન્દુઓ રહે છે. આ કેસો અંગે સખત વિરોધ નોંધાવવા માટે ભારતે ગયા મહિને પાકિસ્તાન ઉચ્ચ કમિશનના એક વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવ્યું હતું.
