ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાના મૃતદેહના મંગળવારની રાત્રીએ પોલિસે પરિવારજનોની ગેરહાજરીમાં અંતિમસંસ્કાર કર્યા હતા. ગામજનોના વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ પોલીસે અંતિમ સંસ્કાર કરતાં દેશના કેટલાંક ભાગોમાં તેનો ભારે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. આ મામલે પાટનગર નવી દિલ્હી અને અન્યત્ર સારો એવો વિરોધ વંટોળ સર્જાયો હતો.
પોલીસે અંતિમસંસ્કાર દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ગ્રામીજનો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ બન્યા હતા. પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા.
પરિવારજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. મંગળવારે ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા.
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ કેસની તપાસ કરવા માટે રાજ્યપોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટીમને સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની તાકીદ યોગીએ કરી હતી. ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં આ દલિત બાળા પર ગેંગરેપ કર્યા બાદ એની કરોડરજ્જુ તોડી નાખવાના અને એની જીભ કાપી નાખવાના બનાવ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. તેમણે યોગીને ઉત્તર પ્રદેશમાં વધી રહેલા અપરાધો અંગે સજાગ રહેવાની સલાહ આપી હોવાનું કહેવાય છે.
આ કેસમાં અત્યાર સુધીમાં ચારે ચાર ઠાકુર યુવાનની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાતે 2.30 વાગ્યે પરિવારના સભ્યો આજીજી કરતા રહ્યા, પરંતુ હાથરસની પીડિતાના મૃતદેહના પોલીસે જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દીધા હતા.