રાજકોટમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં પહેલી ડિસેમ્બરથી શરૂ થતી જુદી-જુદી 23 પરીક્ષા મોકુફ રાખવાનો સોમવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ હવે પછી ક્યારે લેવામાં આવશે તેની નવી તારીખો આગામી સપ્તાહે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરથી બી.કોમ બી.એસ.સી સહિત જુદી-જુદી 23 પરીક્ષાઓ શરૂ કરવામાં આવનાર હતી. જેની હોલ ટિકિટ પણ આપવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારની સુચના બાદ પહેલી ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં 16 ડિસેમ્બરના રોજ યોજાનાર પદવીદાન સમારોહ પણ ઓનલાઇન યોજવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેનાથી યુનિવર્સિટીમાં 191 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક રાજ્યપાલના હસ્તે આપવામાં આવનાર હતા તે કાર્યક્રમ પણ યોજાશે નહીં.