ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસ મૂશળધાર વરસાદને કારણે કાળવા નદી બે કાંઠે થઇ છે. હવામાન વિભાગે શનિવારે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ આપ્યું હતું.
નવસારીમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું. શહેરમાં આવેલી એક ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની 50થી વધુ બોટલો ગોડાઉનનો ગેઇટ તોડીને તણાઇ ગઇ હતી. નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં લોકોને 20 કિલોમીટર જેટલું લાંબું ચક્કર કાપવું પડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ શુક્રવારે રાત્રે ઓવરફ્લો થતાં તેના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, પાણીની સતત આવક ચાલુ રહેવાના કારણે નીચાણવાળાં 17 ગામને એલર્ટ અપાયું હતું.

જામનગરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી જોવા મળ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લાના અનેક વિસ્તારોને એલર્ટ કરાયા હતા. આ ઉપરાંત ખંભાળીયા, પોરબંદર અને અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસના ડોકમડી ખાતે ભારે વરસાદના પગલે એક કાર બ્રિજ ઉપરથી વહેતા પાણીમાં તણાઈ હતી અને તેમાં સવાર પિતા-પુત્ર પણ તણાયા હતા. મોડી રાત સુધી પિતા-પુત્ર અને તેમની કારની શોધખોળ હાથ ધરાઈ હતી. કાર સાથે તણાયેલા પિતા-પુત્રને શોધવા માટે NDRF, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સેલવાસ ડિઝાસ્ટરની ટીમો કામે લાગી હતી.

LEAVE A REPLY