ઇસ્ટ આફ્રિકાના કેન્યાના કાકામેગામાં તા. 13 નવેમ્બર 1924ના રોજ જન્મેલા અને કેન્યા, યુકે અને ભારતમાં સામાજીક સેવાઓ માટે આખુ જીવન વ્યતિત કરી દેનાર ભારતના સ્વાતંત્ર્ય સેનાની, સૌ કોઇના આદરણીય અને ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા ધનજીભાઇ તન્નાની પ્રથમ પુણ્યતિથીએ તાજેતરમાં જ તેમના પરિવાર તરફથી વર્ચ્યુઅલ વંદના કરાઇ હતી.
ધનજીભાઇના પિતા દેવજીભાઇ વિશ્રામ તન્ના 1906માં ગુજરાતના પોરબંદરથી કેન્યાના વિક્ટોરિયા લેકના કિનારે એક નાનકડા બંદર પોર્ટ ફ્લોરેન્સ ગયા હતા. ધનજીભાઇનું શિક્ષણ કિસુમુ અને મોમ્બાસામાં થયું હતું. 1941માં કૌટુંબિક બિઝનેસમાં જોડાયા બાદ માત્ર 21 વર્ષની વયે લોહાણા કોમ્યુનિટી, કિસુમુના સેક્રેટરી તરીકે ચૂંટાઇને જનસેવાની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં જ તેઓ પરિવારની ઇચ્છા વિરૂદ્ધ ભારતની સ્વતંત્રતા ચળવળને ટેકો આપવા ભારત ગયા હતા અને સમાજ સેવાની તાલીમ મેળવી વિવિધ આશ્રમો અને સંસ્થાઓમાં રહ્યા હતા તથા મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, જયપ્રકાશ નારાયણ અને વિનોબા ભાવેને મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન શિખેલા સિદ્ધાંતો અને મૂલ્યો જીવનભર તેમના માર્ગદર્શક રહ્યા હતા.
કિસુમુ પરત થઇ 26 વર્ષની વયે તેમણે 1948માં ભારતીય સર્વોદય સંઘની સ્થાપના કરી 12 વર્ષ સુધી તેના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 30ના દાયકા દરમિયાન તેમની ઈન્ડિયન યુથ લીગના અધ્યક્ષ અને કિસમુ લાયબ્રેરીના ઉપપ્રમુખ તરીકે, હિન્દુ ક્રિમેટોરીયમ, હિન્દુ મંદિર સમિતિ, ન્યાન્ઝા જનરલ હોસ્પિટલ સમિતિ, ‘બ્લડ બેંક’ના પ્રભારી તરીકે, ગવર્મેન્ટ એશિયન સ્કૂલ નેટવર્ક, કિસુમુમાં બે સિંગલ સેક્સ એજ્યુકેશનલ બોર્ડિંગ હોસ્ટેલના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. 1952માં ધનજીભાઇએ સમાન વિચારધારાવાળા મિત્રો સાથે શરૂ કરેલી બાળકોની સંસ્થા ‘શિશુકુંજ’ તો સમગ્ર ઇસ્ટ આફ્રિકામાં ફેલાઇ હતી અને તેઓએ યુકેમાં પણ સેવાઓ આપે છે. જે બાળકોના નેતૃત્વ અને કુશળતાને વિકાસાવે છે.
1962 થી 1971 દરમિયાન ધનજીભાઇ પરિવાર સાથે ભારતમાં પુણે સ્થાયી થયા હતા જ્યાં તેમણે કપડાની ફેક્ટરી શરૂ કરી હતી. ત્યાં તેમણે લોહાણા મહાજનના પ્રમુખ અને સેક્રેટરી તરીકે સેવા આપી હતી. 48 વર્ષની ઉંમરે 1972માં યુકે આવ્યા હતા અને બ્રેન્ટમાં વસવાટ શરૂ કર્યો હતો.
ઘણાં વર્ષો સુધી નીસડનના 12 સોનિયા ગાર્ડન ખાતે વસવાટ કરનાર ધનજીભાઇ હંમેશા સમાજના ઉત્કર્ષ માટે નવા આયોજનોની ચર્ચા કરતા, બંધારણના મુસદ્દા તૈયાર કરતા અને ટાઇપરાઇટર પર મોડી રાત સુધી ટાઇપ કરતા. આ બધા આયોજનો-મીટીંગ્સ દરમિયાન હંસાબેને વર્ષો સુધી ચા, નાસ્તો, ખાણી-પીણીની સેવા આપી હતી.
1978માં અગ્રણી મિત્રોના ટેકાથી તેમણે લંડનમાં ‘શિશુકંજ’ની સ્થાપના કરી સ્થાપક પ્રમુખ સહિત કુલ ત્રણ વખત પ્રમુખ પદે રહ્યા. તેમજ લોહાણા કમ્યુનિટિ નોર્થ લંડન; બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન અને હિંદુ કાઉન્સિલ ઑફ બ્રેન્ટના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમના નેતૃત્વ દરમિયાન જ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટે બિલ્ડીંગની ખરીદી કરી હતી અને ત્યારબાદ તેઓ ટ્રસ્ટી બન્યા હતા. તેઓ એક શ્રેષ્ઠ ફંડરેઇઝર હતા અને બ્રિસ્ટોલમાં હિંદુ મંદિર, સેન્ટ લ્યુકસ હોસ્પિટલ અને ગાઇડ ડોગ્સ ફોર બ્લાઇન્ડ જેવા સ્થાનિક ચેરિટીઝ તેમજ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ માટે ખૂબ ઉત્સાહથી ભંડોળ એકત્ર કર્યું હતું.
1983માં ગુજરાતમાં ભારે પૂર વખતે હિન્દુ કાઉન્સિલ અને બ્રેન્ટના તત્કાલીન મેયરના સમર્થનથી ‘કામધેનુ’ પ્રોજેક્ટ સ્થાપી નોંધપાત્ર ભંડોળ એકત્ર કર્યું હતું. તેમણે પોરબંદરમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોહાણાઓની આવાસ યોજના માટે નોંધપાત્ર ભંડોળ એકત્રિત કર્યું હતું. વિશાળ તન્ના પરિવારના ટેકાથી તેમની માતાના જન્મસ્થળ ગુજરાતના લામ્બા ગામમાં ગર્લ્સ સ્કૂલ સ્થાપવામાં તેમજ બહેનની યાદમાં કિસુમુ નજીક બીજી શાળા સ્થાપવામાં મદદ કરી હતી.
યુકેમાં સ્થાનિક સમુદાયોના જીવનમાં સુધારણા કરવા માટે તેમણે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ તેમને 1995માં મહારાણી દ્વારા એમ.બી.ઇ. એવોર્ડ તેમજ અન્ય ઘણાં નાનામોટા સન્માન તેમને એનાયત કરાયા હતા.
ધનજીભાઇના નિધન બાદ અને પ્રથમ પૂણ્યતિથિએ વિશ્વભરમાંથી લોકોએ તન્ના પરિવારને શોક સંદેશા પાઠવ્યા હતા. પત્ની હંસાબેન, તેમના પુત્રો રવિન્દ્રભાઇ, પંકજભાઇ, પુત્રી કૃતિકાબેન, તેમના ગ્રાન્ડ અને ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન સહિતના વિશાળ તન્ના પરિવારે ધનજીભાઇને જીવનભર આપેલા સમર્થન, પ્રેમ અને મદદ માટે સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ એક નોંધપાત્ર માનવી હતા અને તેમને અમારા બાપુજી કહેવા બદલ અમને ખૂબ જ ગર્વ છે.
તેમના એકમાત્ર હયાત ભાઈ મગનભાઈ પરિવારના શિરછત્ર તરીકે સાથે છે. પરિવારે 70 વર્ષ કરતા વધુ સમયથી કુટુંબની સેવા માટે ખડેપગે રહેનાર અને ધનજીભાઇની છેલ્લા સમયે સંભાળ રાખનાર તેમના ધરમ પત્ની હંસાબેન અને કુટુંબનો સાથ હતો. પરિવાર તેમના નિધનથી પડેલી ખોટ બદલ શોક વ્યક્ત કરે છે તો સાથે સાથે તેમના પરમાર્થભર્યા જીવનની ઉજવણી પણ કરે છે.