પ્રતિક તસવીર

બ્રિટિશ વુમન ઇન સાડી જૂથ દ્વારા ‘ઇન્સપાયરીંગ ઇન્ડિયન વીમેન’ના સહકારથી ઇતિહાસમાં પ્રથમ વખત નેશનલ હેન્ડલૂમ ડે પ્રસંગે ભારતના વણકરો અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ્રલ લંડનમાં સાડી વોકાથોનનું શાનદાર આયોજન તા. 6 ઓગસ્ટના રોજ બપોરે કરાયું હતું. જેમાં સુંદર અને અવનવી સાડીઓ અને પ્રાદેશીક કપડામાં સજ્જ થયેલી કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કુલ 15 રાજ્યોની 500 મહિલાઓએ ટ્રફાલ્ગર સ્કેવરથી સંસદ સુધીની માર્ચ કરી હતી.

વણકરો અને કારીગરોને ટેકો આપવા માટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી પ્રસંગે ભારત અને ગુજરાતની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે સમર્પિત લગભગ 50 ગુજરાતી મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ કુચમાં મહિલાઓ ગુજરાતની પ્રસિદ્ધ બાંધણી, પાટણના પટોળા, બાટિક, ખાદી, કોટન સિલ્ક થ્રેડ સાડીઓ પહેરી હતી. આ સાડીઓ ખાસ કરીને લગ્ન, નવરાત્રી, પૂજા, કૌટુંબિક મેળાવડા જેવા પરંપરાગત પ્રસંગો માટે પહેરવામાં આવે છે.

બ્રિટિશ વુમન ઇન સાડી જૂથના ડૉ. દિપ્તી જૈને જણાવ્યું હતું કે, “આજની આધુનિક ભારતીય મહિલા વિશ્વને પાર કરવામાં માને છે અને તે પાવર ડ્રેસિંગના કોડને ફરીથી વ્યાખ્યાયિત કરતી વખતે સાડીને આગળ કરે છે. ધ એસ્કોટ એ ઉત્તમ બ્રિટિશ પેજન્ટ્રી અને લાવણ્યનું પ્રતીક છે. યુકેના રહેવાસીઓ તરીકે, અમે અમારા મૂળ, ભારતને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટેજ પ્રદાન કર્યું છે તે અંગે અમને આનંદ અને ગર્વ અનુભવ્યો છે.”

આ જ જૂથે ગયા વર્ષે જૂનમાં બર્કશાયર, ઈંગ્લેન્ડમાં રોયલ એસ્કોટ હોર્સ રેસમાં લેડીઝ ડે માટે રંગબેરંગી સાડી ઈવેન્ટનું આયોજન કર્યું હતું. તે વખતે ભારતીય ઉપખંડની સેંકડો મહિલાઓએ ઈવેન્ટ સાથે સંકળાયેલા પરંપરાગત રંગબેરંગી હેટ સાથે તેમની રંગબેરંગી સાડીઓ પહેરી હતી.

કેરળની ટીમનું સંકલન ડૉ. દીપા હેગડે, ડૉ. હેમા સંતોષ, શર્લી ગિબ્સન અને અન્ય 30 સભ્યો દ્વારા કરાયું હતું. તેમણે પરંપરાગત હેન્ડલૂમ સેટ્ટુ મુંડુ અને રાજ્યના વણકરો પાસેથી સીધી ખરીદેલી સાડીઓનું પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને વોકથોનનું સમાપન કરાયું હતું. મહાત્મા ગાંધીએ સ્વદેશી ઉદ્યોગો અને ખાસ કરીને હેન્ડલૂમ વણકરોને પ્રોત્સાહિત કરવા 1905માં સ્વદેશી ચળવળ શરૂ કરી હતી.

LEAVE A REPLY