- અમિત રોય
ગરવી ગુજરાત અને એશિયન મિડીયા ગૃપ દ્વારા રજૂ કરાયેલા અને સમકાલીન બ્રિટિશ સમાજનો સ્નેપશોટ પૂરો પાડતા બ્રિટનના 101 સૌથી પ્રભાવશાળી
એશિયનોનો સમાવેશ કરતા સુવિખ્યાત ઇસ્ટર્ન આઇ / GG2 પાવર લિસ્ટમાં લંડનના મેયર, સર સાદિક ખાનને દેશના સૌથી પ્રભાવશાળી એશિયન તરીકે જાહેર કરાયા છે. તેમના પછી બીજા સ્થાને લોર્ડ ચાન્સેલર અને જસ્ટીસ સેક્રેટરી શબાના મહમૂદને જાહેર કરાયા છે.
હવે પોતાના 15મા વર્ષમાં પ્રવેશેલા GG2 પાવર લિસ્ટને તા. 4ના રોજ સેન્ટ્રલ લંડનમાં 600 થી વધુ લોકોની ઉપસ્થિતીમાં યોજાયેલા 26મા વાર્ષિક GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં લોન્ચ કરાયું હતું. જેમાં નાયબ વડા પ્રધાન, એન્જેલા રેનર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ગાલા કાર્યક્રમ યુકેમાં ટોચના વંશીય લઘુમતી પ્રતિભાઓની ઉજવણી કરે છે અને તેનું આયોજન એશિયન મીડિયા ગ્રુપ, ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત સમાચાર સાપ્તાહિકોના પ્રકાશકો દ્વારા કરવામાં આવે છે.
આ પાવર લિસ્ટમાં 33 મહિલાઓ (33 ટકા) અને 24 નવી એન્ટ્રીઓ (24 ટકા)નો સમાવેશ કરાયો છે. પરંતુ લેબર પાર્ટીની સામાન્ય ચૂંટણીમાં થયેલી જીતથી ગયા વર્ષની સરખામણીમાં ઘણી ઉથલપાથલ થઇ છે.
માઇગ્રેશન સમગ્ર યુરોપમાં ઝેરી ચર્ચાનો વિષય બનતા ફાર રાઇટ પક્ષો અને રાજકારણીઓના ઉદય વચ્ચે બહુસાંસ્કૃતિક બ્રિટન સમગ્ર વિશ્વમાં એક દીવાદાંડી સમાન છે.
૫૦ અને ૬૦ના દાયકામાં ઇમિગ્રન્ટ્સ તરીકે અથવા ૭૦ના દાયકામાં શરણાર્થીઓ તરીકે દેશમાં આવેલા લોકો – અને તેમના સંતાનો રાજકારણથી લઈને બિઝનેસ, કોર્પોરેટ જગત, મેડીસીન, વિજ્ઞાન, શિક્ષણ, કલા અને રમતગમત સહિત દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. જાતિવાદ દૂર થયો ન હોવા છતાય એશિયનો ખૂબ જ સહિષ્ણુ અને સ્વાગત કરતા દેશમાં ખીલી શક્યા છે.
અન્ય લોકોને પ્રેરણા આપનાર અથવા સમાજમાં સકારાત્મક યોગદાન આપનાર આ પાવર લીસ્ટમાં બહુ ઓછા લોકોએ ઇસ્ટર્ન આઈના રિચ લિસ્ટમાંથી સંક્રમણ કર્યું છે.
શબાના મહમૂદે પદના શપથ લેતી વખતે કહ્યું હતું કે “મારે કહેવું જોઇએ કે લોર્ડ ચાન્સેલર તરીકે શપથ લેવા કેટલું સન્માનપૂર્ણ છે. હું ફક્ત ભૂતપૂર્વ બેરિસ્ટર તરીકે જ નહીં, પરંતુ ઇમિગ્રન્ટ્સના બાળક તરીકે આવું કરું છું. એક સમયે બર્મિંગહામના સૌથી ગરીબ વિસ્તારોમાંના એક, સ્મોલ હીથમાં એક નાની છોકરી હતી જે તેના માતાપિતાની કોર્નર શોપમાં કામ કરતી હતી. મને આશા છે કે મારી નિમણૂક દર્શાવે છે કે આ દેશના સૌથી જૂના કાર્યાલયો પણ આપણા બધાની પહોંચમાં છે.”
આ લીસ્ટમાં ગયા વર્ષે વડા પ્રધાન તરીકે નંબર એક પર રહેલા ઋષિ સુનક આ વર્ષે પાંચમા ક્રમે છે જેમણે ગત વર્ષે પાવર લિસ્ટ લોન્ચ કર્યું હતું. અન્ય હયાત બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાનોની સામે હજૂ તેઓ યુવાન છે, ફક્ત 44 વર્ષના છે. તાજેતરમાં તેમની દિલ્હીની મુલાકાત વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી સુનક, તેમની પત્ની અક્ષતા મૂર્તિ, તેમની પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા તથા તેમના સાસુ સુધા મૂર્તિનું ખુશીથી સ્વાગત કર્યું હતું. જે સૂચવે છે કે તેઓ ભારત અને બ્રિટન અને ખાસ કરીને યુકેમાં વસતા ભારતીય મૂળના 2.5 મિલિયન લોકો વચ્ચે “જીવંત પુલ” માં મહત્વપૂર્ણ વ્યક્તિ રહેશે.
મહમૂદ અને સુનક બંને ઓક્સફોર્ડની લિંકન કોલેજમાં ગયા હતા. મહમૂદ 2002માં લૉમાં 2.1 સાથે સ્નાતક થયા હતા. તો સુનક ફિલોસોફી, પોલિટીક્સ અને ઇકોનોમિક્સમાં પ્રથમ વર્ગ સાથે સ્નાતક થયા હતા.
પાવર લિસ્ટમાં ટોચના સ્થાન માટે મહમૂદને ધ્યાનમાં લેવાયા હતા પણ નવા વર્ષની સન્માન યાદીમાં નાઈટનો ખિતાબ મળ્યા બાદ અને મેયર તરીકે ત્રીજી ટર્મ જીતવાના કારણે સર સાદિકને પ્રથમ સ્થાન મળ્યું હતું. જનાદેશને કારણે તેઓ યુરોપના સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાંના એક બન્યા છે અને 2017 અને 2018ના પાવર લિસ્ટમાં પણ તેમને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
બંગાળી પિતા અને ઇગ્લિશ માતાની પુત્રી કલ્ચર સેક્રેટરી લિસા નંદીને 11મા ક્રમે મૂકાયા છે. આ યાદીમાં ચોથા ક્રમે વડા પ્રધાનના પ્રિન્સીપલ પ્રાઇવેટ સેક્રેટરી નિન પંડિતને સ્થાન અપાયું હતું. ડોમિનિક કમિંગ્સે તેમને એક સમયે તેજસ્વી મહિલા તરીકે વર્ણવ્યા હતા. પંડિતની સાથે નંબર 10 ખાતે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપતા વિદ્યા અલાકેસનને છઠ્ઠા ક્રમે સ્થાન અપાયું છે. તેઓ આ અગાઉ લેબર પાર્ટીના એક્સ્ટર્નલ અફેર્સના ડાયરેક્ટર હતા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્મરની નજીક છે. પંડિતના નેતૃત્વમાં કામ કરતા ડેપ્યુટી પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી કુણાલ પટેલ 51મા ક્રમે છે.
એક દાયકા કરતા વધુ સમયથી રિચ લિસ્ટમાં પ્રભુત્વ મેળવનરા દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન હિન્દુજા પાવર લિસ્ટમાં 14મા ક્રમે છે. હિન્દુજા ભાઇઓએ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ભારે રોકાણ કર્યું છે. તો બીબીસીના ચેરમેન સમીર શાહને 13મો ક્રમ અપાયો છે.
કોર્ટ ઓફ ધ બેંક ઓફ ઈંગ્લેન્ડના સભ્ય, લોર્ડ જીતેશ ગઢિયાને 9ના ક્રમે સ્થાન અપાયું છે. લોર્ડ ગઢીયાએ કહ્યું હતું કે “મને લાગે છે કે હવે આપણી પાસે ગલ્ફમાં જતા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારે માત્ર રક્તસ્ત્રાવને રોકવામાં જ નહીં પરંતુ સંપત્તિ સર્જકો અને ઉદ્યોગસાહસિકોને ફરીથી આકર્ષવામાં પણ ખૂબ હિંમતવાન બનવું પડશે.”
બેંકિંગ, ફાઇનાન્સ અને બિઝનેસમાં સેવા આપતા એશિયનો પણ ટોચ પર પહોંચ્યા છે. બાર્કલેઝ પીએલસીના સીઈઓ સી.એસ. વેંકટકૃષ્ણન 8મા સ્થાને છે, જ્યારે 31મા સ્થાને આવેલા વિમ મારુ બાર્કલેઝ રિટેલના વડા છે. તો 47મા ક્રમે આવેલા પામ કૌર એચએસબીસીમાં ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે. 52મા સ્થાને આવેલા અશ્વિન પ્રસાદ ટેસ્કોમાં ચીફ કોમર્શિયલ ઓફિસર છે.
સામાન્ય રીતે, નવા સાંસદો પાવર લિસ્ટમાં પસંદગીને પાત્ર હોતા નથી પરંતુ અપવાદરૂપે વેલ ઓફ ગ્લેમોર્ગનના સાસંદ કનિષ્ક નારાયણ 91મા સ્થાને, ગ્લાસગો સાઉથ-વેસ્ટના એમપી ડૉ. ઝુબીર અહેમદ 94મા સ્થાને અને લાફબરોના સાસંદ જીવન સંધર 97મા સ્થાને વરાયા છે.
એ નોંધનીય છે કે બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના બાહ્ય સભ્ય તરીકે ડૉ. સ્વાતિ ઢીંગરાની પસંદગી તાજેતરમાં ચાન્સેલર, રશેલ રીવ્સ દ્વારા વધુ ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી. વ્યાજ દરો પર બેંકની નીતિને આકાર આપવામાં ઢીંગરાનો પ્રભાવ રહેલો છે.
પુસ્તક, ‘શેડોઝ એટ નૂન: ધ સાઉથ એશિયન ટ્વેન્ટીથ સેન્ચ્યુરી’ માટે યુકેમાં સૌથી પ્રતિષ્ઠિત ઇતિહાસ લેખન પુરસ્કાર વુલ્ફસન જીતનાર કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જોયા ચેટરજીને 69માં સ્થાન મળ્યું છે.
કલા ક્ષેત્રના કેટલાક નામોને પણ સ્થાન અપાયું છે. રુફસ નોરિસ પછી ટૂંક સમયમાં નેશનલ થિયેટરના આર્ટ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળનાર ઇન્ધુ રૂબાસિંઘમને 21 સ્થાને અને કલાકાર ચિલા બર્મનને 67મું સ્થાન અપાયું છે. બીબીસીએ સિટી ઓફ સિનર્સને છ ભાગના ટીવી ક્રાઇમ ડ્રામા, વિર્ડીમાં ફેરવ્યું છે જેના બ્રેડફર્ડ સ્થિત લેખક એ. એ. ધંડને 86મું સ્થાન અપાયું છે.
GG2 પાવર લિસ્ટની નકલ ખરીદવા સૌરિન શાહનો ઇમેઇલ [email protected] પર સંપર્ક કરી શકો છો. GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સનું કવરેજ ગરવી ગુજરાતના 15 માર્ચના અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.
