સમગ્ર ઉત્તર ભારતમાં રવિવારે અને સોમવારે શીતલહેરમાં ઠુંઠવાયું હતું. ખાસ કરીને જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવી તથા ઉત્તરાખંડના મસૂરીમાં ભારે હિમવર્ષા થઇ હતી.આ હિમવર્ષાના પગલે ઉત્તર ભારતમાં ઠંડી કાતિલ બનવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી
રવિવારે રાત્રે પહાડોની રાણી ગણાતી મસૂરીમાં પહેલીવાર હિમવર્ષા થઇ હતી. સમગ્ર પહાડી વિસ્તારમાં જાણે કોઇએ સફેદ ગાલીચો પાથરી દીધો હોય એવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. મસૂરીમાં થોડો વરસાદ પણ પડ્યો હતો. પરિણામે તાપમાનનો પારો વધુ નીચો ઊતર્યો હતો અને ઠંડી વધી હતી.
મસૂરીના લાલ ટીબ્બા, માલ રોડ વગેરે વિસ્તારોમાં તો ભારે વરસાદ પડ્યો હતો. એક તરફ વરસાદ અને બીજી બાજુ હિમવર્ષા એટલે ધુમ્મસ પણ ગાઢ થયું હતું. અહીં ફરવા આવેલા મોટા ભાગના પ્રવાસીઓએ હિમવર્ષાની મોજ માણી હતી. ઉત્તરાખંડના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સોમવારે અને મંગળવારે ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. પહાડી વિસ્તારમાં ફરવા આવેલા લોકોને જિલ્લા વહીવટી તંત્રે સાવધ રહેવાની ચેતવણી આપી હતી. હિમવર્ષાના પગલે ભેખડો ધસી પડવાના બનાવો વધી શકે છે એવી એડવાઇઝરી જારી કરાઇ હતી.
બીજી બાજુ જમ્મુના કટરા વિસ્તારમાં આવેલા તીર્થધામ વૈષ્ણોદેવીમાં પણ રવિવારે પહેલો બરફ પડ્યો હતો. ચોમેર સફેદ ચાદર પથરાઇ ગયા જેવું વાતાવરણ જોઇને વૈષ્ણોદેવી આવેલા શ્રદ્ધાળુઓ પણ આનંદમાં આવી ગયા હતા.