ભારતના શેરબજારે સોમવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતા કેન્દ્રીય બજેટને વધાવી લીધું હતું. મુંબઈ શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સમાં 2,315 પોઇન્ટ્સ અથવા પાંચ ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો હતો. બજેટના દિવસે આટલો મોટો વધારો અગાઉ 1997માં જોવા મળ્યો હતો. આ બજેટના દિવસે સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 48,764.40ના ઊંચા સ્તરે સ્પર્શ્યા બાદ સેશનના અંતે 2,314.84 પોઇન્ટ્સ ઉછળીને 48,600.61એ બંધ આવ્યો હતો. એનએસઇનો નિફ્ટી પણ 646 પોઇન્ટ્સ અથવા 4.74 ટકા ઉછળીને 14,281.20 પોઇન્ટ્સે બંધ આવ્યો હતો. સરકારે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર ક્ષેત્ર માટે ઊંચી ફાળવણી કરતાં રોકાણકારોના ઉત્સાહમાં વધારો થયો હતો. નાણાપ્રધાન 2021-22ના વર્ષ માટે હેલ્થકેર માટે 2.2 ટ્રિલિયન રૂપિયા (30.20 બિલિયન ડોલર)ની જોગવાઈ કરી હતી. આ ઉપરાંત નાણાપ્રધાન કોવિડ ટેક્સ નાંખ્યો નથી. બે સરકારી બેન્કો ખાનગીકરણ સાથે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફત 1.75 ટ્રિલિયન રૂપિયા (23.97 બિલિયન ડોલર) એકત્ર કરવાના ઊંચા લક્ષ્યાંકથી પણ શેરબજારમાં ખરીદી થઈ હતી.