વિશ્વમાં મંકીપોક્સના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકારે મંગળવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની સરહદો તથા એરપોર્ટ, બંદરોના સત્તાવાળાઓને ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો વિશે સતર્ક રહેવાની તાકીદ કરી હતી. કેન્દ્રએ તમામ રાજ્યોને પણ એમપોક્સ કેસો સંભાળવા માટે હોસ્પિટલો તૈયાર રાખવાની સૂચના આપી હતી.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 14 ઓગસ્ટે મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય ઇમર્જન્સી જાહેર કરી હતી.
એમપોક્સ દર્દીઓને ક્વોરેન્ટાઇલ અને સારવાર કરવા માટે દિલ્હીમાં મુખ્ય ફેસિલિટી તરીકે ત્રણ સરકારી હોસ્પિટલોની પસંદગી કરાઈ છે. તેમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ અને લેડી હાર્ડિંજ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલયે વહેલા નિદાન માટે ટેસ્ટિંગ લેબોરેટરીનું નેટવર્ક તૈયાર રાખવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. હાલમાં દેશમાં 32 લેબોરેટરીઓ એમપોક્સના પરીક્ષણ માટે સજ્જ છે. ડબ્લ્યુએચઓના અગાઉના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2022 પછીથી 116 દેશોમાંથી એમપોક્સના કારણે 99,176 કેસ અને 208 મૃત્યુ નોંધાયા છે. આફ્રિકાના ઘણા દેશોમાં આ વાયરલ ફેલાઈ રહ્યો છે. આ વખતે વાયરસનો સ્ટ્રેઇન અલગ છે અને તે વધુ વાઇરલ અને ચેપી છે. પરંતુ વર્તમાન મૂલ્યાંકન મુજબ દેશમાં સતત ટ્રાન્સમિશન સાથે મોટા પાયે રોગચાળો ફાટી નીકળવાનું જોખમ ઓછું છે.
અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક પછી મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં મંકીપોક્સના કોઈ કેસ નોંધાયા નથી, તેમ છતાં રોગના ફેલાવાને રોકવા અને નિયંત્રણ કરવા માટે સાવચેતીનાં પગલાં લેવામાં આવશે. દેશમાં કેટલાંક આયાતી કેસની શક્યતા નકારી શકાતી નથી, તેથી આગામી સપ્તાહમાં તેની તકેદારી રાખવામાં આવશે. જોકે મોટાપાયે મંકીપોક્સના ફેલાવાની શક્યતા હાલમાં નીચી છે. મંત્રાલય હાલમાં સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.