રાજદ્વોહના વિવાદાસ્પદ કાયદાનું સમર્થન કરતાં કાયદા પંચે તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ કાયદાને સંપૂર્ણ પણે નાબૂદ કરવાથી દેશની સુરક્ષા અને અખંડિતતાને ગંભીર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેના દુરુપયોગને ટાળવા માટે મોડલ ગાઇડલાઇન બનાવવી જોઇએ. અહીં ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના ગુના માટે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 124A હેઠળ કાર્યવાહી થાય છે. સુપ્રીમ કોર્ટે મે 2022ના રોજ એક આદેશ જારી કરીને આ કાયદાના અમલને અટકાવી દીધેલો છે.
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સરકાર તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી રાજદ્રોહ અંગેના કાયદા પંચના અહેવાલ પર માહિતગાર અને તર્કસંગત નિર્ણય લેશે. આ રીપોર્ટની ભલામણો પ્રેરણાદાયક છે, પરંતુ બંધનકર્તા ન નથી.
કાયદા પંચે જણાવ્યું હતું કે કેટલાંક દેશોએ આ કાયદાને રદ કર્યો છે, તેથી આપણે પણ તેવું કરવું જોઇએ તેવી દલીલ ભારતની હાલની જમીની વાસ્તવિકતાઓ તરફ આંખ આડા કાન કરવા જેવું છે. કાયદા પંચે રાજદ્રોહના કેસમાં જેલની લઘુતમ સજા ત્રણ વર્ષથી વધારીને સાત વર્ષ કરવાની ભલામણ કરી છે.
દેશમાં રાજદ્વોહના કાયદાનો દુરુપયોગ થતો હોવાથી તેને નાબૂદ કરવાની માગણી થઈ રહી છે. જોકે તાજેતરમાં સરકારને સુપરત કરેલા અહેવાલમાં કાયદા પંચે જણાવ્યું હતું કે દુરુપયોગ થતાં હોવાની આક્ષેપોને કારણે સમગ્ર કાયદાને નાબૂદ કરી શકાય નહીં. પરંતુ આવા દુરુપયોગને ટાળવા માટે કેન્દ્ર સરકારે મોડલ ગાઇડલાઇન જારી કરવી જોઇએ. રાજદ્વોહ બ્રિટિશ જમાનોનો ગુનો છે તેવા આધારે પણ તેને નાબૂદ કરી શકાય નહીં.