મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા ઉઠાવી રહ્યાં છે ત્યારે ભાજપ હિન્દુ એકતા માટે ‘બટેંગે તો કટંગે’ના નારાના આધારે પ્રચાર કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાની નિર્ણાયક ચૂંટણી માટે ‘એક હૈ, તો સેફ હૈ’ના એકતાના સંદેશ સાથે તેમના પ્રચારની શરૂઆત કરી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે’ના નારાની વચ્ચે મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જાતિ અને સમુદાયના આધારે દેશને વિભાજીત કરવાની ખતરનાક રમત રમી રહી છે. એસટી, એસસી અને ઓબીસી એકજૂથ રહેશે, તો કોંગ્રેસની રાજનીતિ સમાપ્ત થઈ જશે.
મોદીએ મહારાષ્ટ્રમાં ધુલે અને નાસિક એમ બે ચૂંટણીસભા સંબોધી હતી. તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષોને પડકાર ફેંક્યો હતો કે તેઓ રાહુલ ગાંધી પાસે હિન્દુત્વના વિચારક વી ડી સાવરકર અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેની પ્રશંસામાં 15 મિનિટ માટે ભાષણ કરાવે.
ધૂલે ખાતેની રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો એકમાત્ર એજન્ડા એક જાતિને બીજી જાતિ સામે લડાવવાનો છે. તેઓ ઇચ્છતા નથી કે એસસી, એસટી અને ઓબીસી પ્રગતિ કરે અને તેમનો યોગ્ય ન્યાય મળે… યાદ રાખો, ‘એક હૈ તો સેફ હૈ’. નહેરુના સમયથી કોંગ્રેસ અને તેના પરિવારે અનામતનો વિરોધ કર્યો હતો અને હવે તેમની ચોથી પેઢીના ‘યુવરાજ’ જાતિના વિભાજન માટે કામ કરી રહ્યા છે.
ઇન્ડિયા બ્લોકના પક્ષો જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણને દૂર કરવા માગતા હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વની કોઈ તાકાત આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ 370ને ફરી લાવી શકશે નહીં. કોંગ્રેસ અને તેના સાથીઓએ પાકિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અને અલગતાવાદીઓની ભાષા બોલવી જોઈએ નહીં. J&Kમાં માત્ર બાબા સાહેબ આંબેડકરના બંધારણનું પાલન કરવામાં આવશે.