વિશ્વમાં બદલાતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિમાં પણ પરિવર્તન જરૂરી હોવા પર ભાર મૂકીને વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે વિદેશી નીતિ હોવી જોઇએ. વિદેશ નીતિમાં પરિવર્તનને રાજકીય હુમલા તરીકે જોવું જોઈએ નહીં. વિદેશ નીતિમાં ફેરફાર કરવાની નરેન્દ્ર મોદીને જરૂરિયાત ઊભી થઈ ન હતી. તેની શરૂઆત નરસિંહ રાવ સરકારે કરી હતી.
નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાનું પુસ્તક ‘ધ નહેરુ ડેવલપમેન્ટ મોડલ’ના વિમોચનના અવસર શનિવારે પોતાના સંબોધનમાં જયશંકરે કહ્યું હતું કે ‘નહેરુ વિકાસ મોડેલ અનિવાર્ય રૂપથી નહેરુની વિદેશ નીતિનું નિર્માણ કરે છે. અમે વિદેશમાં તેને સુધારવા માગીએ છીએ, જેવી રીતે આપણે ઘરેલું સ્તર પર મોડેલના પરિણામોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ.
રવિવારે નવી દિલ્હીમાં ‘ઈન્ડિયાઝ વર્લ્ડ’ મેગેઝીનના લોકાર્પણ પ્રસંગે જયશંકરે જણાવ્યું હતું કે વિદેશ નીતિમાં બદલાવ શા માટે જરૂરી છે તે માટેના ચાર મુખ્ય પરિબળો છે. પ્રથમ એ કે ઘણા વર્ષો સુધી નેહરુ વિકાસ મોડલ હતું. તેનાથી નહેરુ વિદેશ નીતિનો જન્મ થયો હતો. 1940, 50, 60 અને 70ના દાયકામાં વિશ્વ બે મહાસત્તા વચ્ચે વહેંચાયેલું હતું. આ પછી વિશ્વમાં એક મહાસત્તા એટલે કે એક ધ્રુવીય વિશ્વ બન્યું હતું. હવે આ બંને સ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત છેલ્લાં બે દાયકામાં ખૂબ જ ઝડપથી વૈશ્વિકરણ થયું છે. તેનાથી એક દેશના બીજા દેશો સાથેના સંબંધો બદલાયા છે. જો આપણે ટેક્નોલોજીની અસરની વિચારણા કરીએ તો વિદેશ નીતિ, રાષ્ટ્રીય ક્ષમતાઓ પર અને આપણા રોજિંદા જીવન પર ટેક્નોલોજીની અસર થઈ છે.
વિકસિત ભારતના વિઝન માટે વિકસિત ભારત માટેની વિદેશ નીતિની જરૂરિયાત હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે જો આપણે વિકસિત ભારતની મહત્ત્વકાંક્ષા રાખીએ તો ચોક્કસપણે વિકસિત ભારત માટે વિદેશ નીતિ જરૂરી છે. એક દાયકા પહેલા આપણે અગ્રણી વૈશ્વિક તાકાત તરીકે આગળ વધવાની વિચારણા ચાલુ કરી હતી. આપણે કેવી રીતે વધુ મહત્વાકાંક્ષી બનવું, કેવી રીતે આગળ વધવું તેની વિચારણા કરી હતી