બહુચર્ચિત ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યુરિટી માર્કેટમાં પ્રવેશ પર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. લીકર બિઝનેસમેન તરીકે જાણીતા માલ્યા પર ત્રણ વર્ષ માટે કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈ પદ પર રહેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેબીએ માલ્યાના તમામ શેર, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ સહિત તમામ સિક્યુરિટીઝ હોલ્ડિંગને ફ્રીઝ કરવાનો આદેશ કર્યો છે. સેબીએ કહ્યું હતું કે માલ્યા મેટરહોર્ન વેન્ચર્સ નામની FII એન્ટિટી મારફતે ભારતમાં તેની ગ્રુપ એન્ટિટીની સ્ક્રીપ્ટસમાં પરોક્ષ રીતે અત્યાર સુધી ટ્રેડિંગ કરતો રહ્યો છે અને સિક્યુરિટીઝ માર્કેટમાં તેના રોકાણની સાચી ઓળખ છુપાવી રહ્યો છે, જે હવે શક્ય નહીં બને. સેબીના આદેશ મુજબ, એફઆઈઆઈ એન્ટિટીનો ઉપયોગ અગાઉની સ્પિરિટ કંપની હર્બર્ટસન અને યુનાઈટેડ સ્પિરિટ્સ (યુએસએલ)ના શેરના સોદા માટે કરવામાં આવ્યો હતો. મર્જર અને એક્વિઝિશન્સ દ્વારા હર્બર્ટસન્સ એ યુએસએલ બની ગઈ હતી, જેની માલિકી હાલમાં બ્રિટિશ મલ્ટિનેશનલ ડિયાજિયોની છે. સેબીએ કહ્યું હતું કે માલ્યાની આ કામગીરી સિક્યુરિટીઝ માર્કેટ માટે જોખમી છે.

LEAVE A REPLY