નોર્થ-વેસ્ટ લંડનની લક્ષ્મી ડેવલપમેન્ટ લિમિટેડના ડિરેક્ટર વિજય માધાપરિયાને લંડનની હેરો ક્રાઉન કોર્ટમાં 27 મહિનાની સજા ફટકારવામાં આવી છે. ગયા અઠવાડિયે સુનાવણી પછી તેના પર 10 વર્ષ સુધી લિમીટેડ કંપનીઓ ચલાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
યુકેની ઇન્સોલ્વન્સી સર્વિસના ચીફ ઈન્વેસ્ટીગેટર ઇયાન વેસ્ટે જણાવ્યું હતું કે, “કોર્ટે તેના અસંખ્ય ગેરવર્તણૂક ગુનાઓની ગંભીરતાને માન્યતા રાખીને વિજય માધાપરિયાને નોંધપાત્ર સમય માટે જેલમાં ધકેલી દીધો હતો. તેની સજાથી અન્ય ડિરેક્ટરોને પણ એક ચેતવણી મળશે કે ઇન્સોલ્વન્સી અને કંપનીના ડિરેક્ટર કાયદા સામેના ગુનાઓ બદલ તમારી સામે ગુનાહિત કાર્યવાહી થઇ શકે છે.”
કંપની ટેક્સ અધિકારીઓને £124,000નું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગયા પછી 2015માં લક્ષ્મી ડેવલપમેન્ટને ફરજિયાત ફડચામાં મૂકવામાં આવી હતી, જે રકમ પછીથી સુધારીને £4.4 મિલિયન કરવામાં આવી હતી. ઑફિશિયલ રીસીવરની શરૂઆતમાં લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને વધુ તપાસમાં વિજય માધાપરિયા દ્વારા ગેરવર્તનનાં અનેક દાખલાઓ બહાર આવ્યાં હતાં એમ કોર્ટે સુનાવણીમાં જણાવાયું હતું.
2012માં વિજય માધાપરિયાને હેલ્થ અને સેફ્ટી અંગેના ગુનાઓ બાદ કોર્ટે ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યો હતો. અયોગ્ય હોવા છતાં, તેણે ડિરેક્ટર તરીકેની કામગીરી ચાલુ રાખી હતી અને સપ્ટેમ્બર 2013માં લક્ષ્મી ડેવલપમેન્ટનું વિસર્જન ન થયું ત્યાં સુધી તેણે વિવિધ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા, ત્યાર બાદ કંપની રેકોર્ડ્સ ફાઇલ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
લક્ષ્મી ડેવલપમેન્ટને ફરીથી સ્થાપિત કરવા માટે, માધાપરિયાએ કંપનીના એકાઉન્ટ્સ સબમિટ કર્યા હતા, જેનો તેણે ખોટો દાવો કર્યો હતો કે તેનું ઑડિટ કરવામાં આવ્યું હતું અને રેગ્યુલેટેડ એકાઉન્ટન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આનાથી બિલ્ડિંગ ડેવલપમેન્ટ કંપનીને કંપની રજિસ્ટરમાં પુન:સ્થાપિત કરાઇ હતી અને ટેક્સ અધિકારીઓ પાસેથી વિશાળ VAT રકમની ચુકવણી થઈ હતી.
ઇનસોલ્વન્સી સર્વિસે જણાવ્યું હતું કે, વિજય માધાપરિયાએ ત્યારબાદ રીનોવેશનની £91,000ની રીનોવેશનની કમાણીની રકમ તેમના અંગત ખાતામાં જમા કરી હતી, જે તેણે હોલીડે અને જુગાર પાછળ વાપરી હતી.
તે પછી તેણે ફેબ્રુઆરી 2014માં ક્લાસી જંકશન લિમિટેડ શરૂ કરી હતી જે સપ્ટેમ્બર 2015માં ડૂબી ગઇ હતી અને માધાપરિયા તે કંપનીના દસ્તાવેજો ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા હતા.