લંડનના વાસક્રોફ્ટ  કોન્ટ્રાક્ટર્સ લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર ચાંદની કલ્પેશ વોરાને બિઝનેસ અને ચેરિટી માટેની સેવાઓ માટે મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) એનાયત કરાયો હતો.

ચાંદની વોરાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’આ પુરસ્કાર પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અને નમ્રતા અનુભવુ છું. મારી 26 વર્ષની કારકીર્દી દરમિયાન મેં કરેલા કાર્યો તેમજ સેવા કાર્યો માટે માન્યતા પ્રાપ્ત કરવી એ એક વિશેષાધિકાર છે. આ સન્માન મારા પરિવાર, મારા માર્ગદર્શક મારા પિતા સહિત એ દરેકનું છે જેમણે મારી સમગ્ર સફરમાં મને ટેકો આપ્યો છે. એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી, સેવા યુકે જેવી કોમ્યુનિટી અને સખાવતી સંસ્થાઓએ મારા પર વિશ્વાસ રાખ્યો છે અને આ સન્માન માટે હું ખરેખર ઋણી છું. ‘વસુદેવ કુટુંબકમ’ના સિદ્ધાંતો સાથે એક સમાવિષ્ટ સંકલિત સમાજનું નિર્માણ કરીએ અને સાથે મળીને પ્રગતિ કરીએ તે સુનિશ્ચિત કરવા માટે હું જે કામ કરું છું તે ચાલુ રાખીશ.’’

શ્રીમતી ચાંદની વોરા ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સના ફેલો છે અને 2009માં વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડમાં જોડાતા પહેલા તેમણે ક્લિફોર્ડ ચાન્સ, BAE સિસ્ટમ્સ, વર્જિન મીડિયા અને મેજેસ્ટિક વાઇનવેરહાઉસ જેવી કંપનીઓમાં સેવાઓ આપી હતી. 2020થી E2E એન્ટરપ્રાઇઝ લિમિટેડ માટે સલાહકાર બોર્ડના સભ્ય તરીકે સમગ્ર યુકેમાં 24,000 થી વધુ સાહસિકોને ટેકો આપવા માટે વ્યવસાય વ્યૂહરચના પર સક્રિય ભૂમિકા ભજવે છે.

એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન-એએસએફની ટ્રસ્ટી ચાંદનીને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે EY દ્વારા યુકે કેટેગરીમાં એનઆરઆઈ આઈકોન એવોર્ડ એનાયત કરાયો હતો. ચાંદની SKLPC UK અને સેવા યુકે જેવી અનેક સખાવતી સંસ્થાઓમાં સેવાઓ આપે છે.

LEAVE A REPLY