ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા વડોદરા સામુહિક આત્મહત્યા કેસમાં રવિવારે સોની પરિવારનાં વધું એક સભ્યનું શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત દુઃખદ મોત થયું હતું. નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિન સોનીનું રવિવારે મોત થયું હતું. શનિવારે તેમની માતા દિપ્તિબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેનાથી આ સામુહિક આપઘાત કેસમાં હવે કુલ મૃત્યુઆંક વધીને પાંચ થયો હતો અને હવે પરિવારમાં માત્ર એક જ સભ્ય જીવિત છે. આર્થિક સંકળામણને કારણે 3 માર્ચે સોની પરિવારે ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં નવી- નવી માહિતી બહાર આવી રહી છે. આ પરિવાર જ્યોતિષીઓની વાતમાં આવીને ભયાનક નાણાંભીડમાં મૂકાઈ ગયો હતો. જુદા જુદા નવ જ્યોતિષીએ સોનાના ચરુ કાઢવા સહિતના બહાને આ પરિવાર પાસેથી રૂ. 32 લાખ પડાવ્યા હોવાનું માનવામાં આવે છે. આ પરિવાર કઈ રીતે ગુપ્તધનની લાલચમાં એક પછી એક જ્યોતિષીઓની વાતોમાં આવતો ગયો અને ખુવાર થતો ગયો તે માહિતી ખરેખર હચમચાવી દે તેવી છે.
આ ઘટનામાં સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ સોનીએ પોતાની પત્ની, દીકરા, દીકરી, પુત્રવધૂ અને પૌત્ર સાથે ત્રણ માર્ચના રોજ જંતુનાશક દવા પી લીધી હતી. થોડા સમય પહેલા નરેન્દ્રભાઈ પ્લાસ્ટિકનો નાનો-મોટો ધંધો કરતા હતા, અને તેમનો દીકરો કમ્પ્યુટર રિપેરિંગનો વ્યવસાય કરતો હતો. પરંતુ નરેન્દ્રભાઈની દુકાન ત્રણ વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી, અને ભાવિનનો બિઝનેસ પણ ઠપ્પ હોવાથી પરિવાર પાસે આવકનું કોઈ સાધન નહોતું રહ્યું હતો.
આ સંજોગોમાં તેઓ વ્યાજે રુપિયા લાવવાના ચક્કરમાં ફસાયા હતા, અને ધીરે-ધીરે તેમની હાલત કફોડી થવા લાગી હતી. જેટલું પણ દેવું થયું હતું તે ચુકવવા માટે તેના પિતા નરેન્દ્રભાઈએ 40 લાખમાં ઘર વેચી દેવાનું નક્કી કર્યું હતું. જોકે, આટલા ભાવમાં તેમને કોઈ ખરીદનાર નહોતો મળતો. તેમણે ઘર વેચવા જાહેરખબર પણ આપી હતી, જે જોઈને એક જ્યોતિષ તેમના ઘરે આવ્યો હતો અને ત્યારથી જ આ સમગ્ર ખેલ શરુ થયો હતો.