ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારાને કારણે વડોદરામાં તારાજી સર્જાયા પછી ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રૂ. 1,200 કરોડના વિશ્વામિત્રી રિવાઇવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.વ્યાપક જળ વ્યવસ્થાપન પ્રણાલી સ્થાપિત કરવાના હેતુ સાથે લાંબા સમયથી રાહ જોવાતા આ પ્રોજેક્ટની ચર્ચા એક દાયકાથી વધુ સમયથી ચાલી રહી છે. પૂરગ્રસ્ત શહેરની મુલાકાતે આવેલા પટેલે જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે મુખ્યપ્રધાન પાસેથી પરવાનગી માગવામાં આવી હતી, જેમણે વડોદરાના નાગરિકોના લાભાર્થે આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને આ પ્રોજેક્ટ માટે રૂ.1,200 કરોડનું ભંડોળ મંજૂર કર્યું હતું. આ એક ઐતિહાસિક પ્રોજેક્ટ છે કારણ કે તેમાં નદીની વહન ક્ષમતા અને અન્ય પાસાઓ પર અભ્યાસનો સમાવેશ કરાશે. વહીવટીતંત્રને એક યોજના તૈયાર કરવા અને શક્ય તેટલી વહેલી તકે સબમિટ કરવાનો આદેશ અપાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટથી પ્રેરિત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સૌપ્રથમ 2008માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દરખાસ્ત કરી હતી. પરંતુ રાજ્ય સરકારનું સમર્થન હોવા છતાં, તે ક્યારેય આગળ વધ્યો ન હતો. પર્યાવરણીય ચિંતાઓએ 2016માં પ્રોજેક્ટને અટકાવ્યો હતો.