4 જુલાઈના રોજ થનારી સામાન્ય ચૂંટણી પહેલા વડા પ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે, તા. 29ના રોજ નોર્થ વેસ્ટ લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસ્ડનની મુલાકાત લીધી હતી. જ્યાં દંપતીએ પ્રાર્થના કરી શ્રી નીલકંઠ વર્ણીનો અભિષેક કર્યો હતો. સંતો અને BAPS UK અને યુરોપના વરિષ્ઠ નેતાઓએ પરંપરાગત રીતે દંપત્તીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

શ્રી સુનક અને અક્ષતાએ મંદિરમાં પ્રવેશ કરતાં જ તેમંનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મંદિર વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી અને પરંપરાગત હિન્દુ કલા અને સ્થાપત્યની પ્રશંસા કરી હતી. તેમણે BAPS વોલંટીયર્સને મળવામાં ઘણો સમય વિતાવ્યો હતો અને  તેમની સાથે પેરિસમાં નવા BAPS સ્વામિનારાયણ હિંદુ મંદિર, મંદિરના ચેરિટી અને સામાજીક કાર્યો વિષે ચર્ચા કરી હતી. શ્રી સુનક અને અક્ષતા કેટલાક યુવાન સ્વયંસેવકોના સમર્પણથી પ્રભાવિત થયા હતા અને તેમણે સાંજની સભામાં પણ ભાગ લીધો હતો.

ક્રિકેટ ચાહક સુનકે બોલતા પહેલા T20 વર્લ્ડ કપમાં ભારતની જીતના સંદર્ભ સાથે સત્સંગ સભાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે “હું હિંદુ છું અને તમારા બધાની જેમ, હું પણ મારા ધર્મમાંથી પ્રેરણા અને આરામ મેળવું છું. મને ‘ભગવદ ગીતા’  લઇને સંસદના સભ્ય તરીકે શપથ લેવા બદલ ગર્વ છે. આપણો વિશ્વાસ આપણને આપણું કર્તવ્ય નિભાવવાનું શીખવે છે અને જ્યાં સુધી તે નિષ્ઠાપૂર્વક કરે છે ત્યાં સુધી પરિણામ વિશે ચિંતા ન કરવી. મારા અદ્ભુત અને પ્રેમાળ માતા-પિતા દ્વારા મને આ જ માનવા માટે ઉછેરવામાં આવ્યો છે અને તે જ રીતે હું મારું જીવન જીવું છું; અને તે જ હું મારી દીકરીઓ મોટી થાય તેમ તેમને આપવા માંગુ છું. તે ધર્મ જ છે જે મને જાહેર સેવા પ્રત્યેના મારા અભિગમમાં માર્ગદર્શન આપે છે.’’

GP પિતા અને ફાર્માસિસ્ટ માતાની સામાજીક સેવાઓ અને ભારતમાં તેમના ફિલન્થ્રોપિસ્ટ સાસુ સુધા મૂર્તિ દ્વારા જે “અદ્ભુત સેવા કાર્યો” કરે છે તેનો સંદર્ભ આપતા સુનકે કહ્યું હતું કે “મારી પત્ની મારો એક માત્ર સૌથી મોટો આધાર જ નહિં પરંતુ તે જાહેર સેવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિ પણ છે. તમે દરેક પગલામાં મારી સાથે રહ્યા છો. મારા વડા પ્રધાન પદના સૌથી મુશ્કેલ દિવસોમાં, મેં તમારા સમર્થનને અનુભવ્યું છે. અને હું ગર્વ સાથે જાણું છું કે બ્રિટિશ એશિયન વડા પ્રધાન હોવાના નાતે હું તમને ક્યારેય નિરાશ નહીં કરવા કટિબદ્ધ છું.”

બ્રિટનના પ્રથમ ભારતીય વારસાના વડા પ્રધાન તરીકે, 44 વર્ષના સુનકે તેમની “પ્રાર્થનાઓ અને પ્રેમ” માટે સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેમને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરવા અને ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.“

ચૂંટણી ઝુંબેશ દરમિયાન એક ફાર રાઇટ રિફોર્મ યુકેના કાર્યકર્તાએ તેમના પર કરેલા હુમલાના સંદર્ભમાં સુનકે કહ્યું હતું કે “મને સૌપ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન હોવાનો ગર્વ છે, પરંતુ મને એ વાતથી પણ વધુ ગર્વ છે કે આ કોઈ મોટી વાત નથી. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓએ આપણને એ ભૂલી ન જવું જોઈએ કે યુકેએ વિશ્વની સૌથી સફળ બહુ-વંશીય, બહુ-ધર્મિય લોકશાહી છે અને આપણે બધાએ તેના દ્વારા ઉત્થાન મેળવવું જોઈએ. તમારા સમર્થનથી, હું આપણા દેશ માટે એક સુરક્ષિત ભવિષ્ય બનાવીશ જ્યાં હિંદુ, યહૂદી, ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ અને જૈન, તમામ ધર્મના લોકો અને કોઈ પણ, ઘરમાં સમાનતા અનુભવે.”

શ્રી સુનકે કહ્યું હતું કે “હું આ મંદિરની સુંદરતાથી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયો છું. અહીં રહેવાની સૌથી ખાસ વાત એ સમુદાયની તાકાત છે. યુવાનોની પેઢીને સ્વયંસેવક બનવા અને તેમના સમાજને ટેકો આપવા માટે કેવી રીતે પ્રેરણા આપવી તેનું નીસ્ડન ટેમ્પલ એક ચમકતું ઉદાહરણ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. આગળ વધવા માટે તે શક્તિ અને હિંમત મેળવવા માટે મહંત સ્વામી મહારાજ જેવા કોઈની તરફ જોવું એ મને ખાસ મદદરૂપ લાગે છે.’’

સુનકે પોતાના પ્રવચનમાં BAPS સ્વામિનારાયણ હિંદુ ફેલોશિપના વૈશ્વિક નેતા પ.પૂ. મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને પ્રેરણા”ને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટેક્સ કાપ અને શિક્ષણ અંગેની મુખ્ય નીતિ વિષયક બાબતોનો પુનરોચ્ચાર કરી તેમના  કન્ઝર્વેટીવ પક્ષ અને ભારતીય ડાયસ્પોરાના મૂલ્યો વચ્ચે સમાનતાઓ દર્શાવતા કહ્યું હતું કે “શિક્ષણ, સખત મહેનત, કુટુંબ, તે મારા, તમારા અને કન્ઝર્વેટીવ્સના મૂલ્યો છે.

મહંત સ્વામી મહારાજે શ્રી સુનક અને તેમના પરિવાર માટે મોકલેલા વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, “હું યુકેના લોકો માટે પ્રાર્થના કરું છું: તમને બધાને શાંતિ અને સમૃદ્ધિ, સંવાદિતા અને સફળતા પ્રાપ્ત કરો.”

સ્વાગત પ્રવચનમાં, યુકે અને યુરોપમાં BAPSના વડા સ્વામી, યોગવિવેકદાસ સ્વામીએ 2022માં ભારતમાં શતાબ્દી ઉજવણી દરમિયાન પ્રમુખસ્વામી મહારાજને વિડિયો અંજલિ આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. તેમણે વડાપ્રધાનની સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતને પણ યાદ કરતાં કહ્યું હતું કે “અમે, બ્રિટિશ હિંદુઓ તરીકે, આ મહાન રાષ્ટ્રએ અમને આપેલી તકો માટે હંમેશા આભારી છીએ. અમે યુકેની સફળતાઓની ઉજવણી કરીને તેમજ તેની પ્રગતિમાં યોગદાન આપીને સદ્ભાવના પરત કરવા માંગીએ છીએ.’’

UKમાં BAPSના ટ્રસ્ટી સંજય કારાએ કહ્યું હતું કે “વડાપ્રધાન નીસડન મંદિર ખાતે બ્રિટિશ હિંદુઓના સ્થાનિક સમુદાય સાથે જોડાયા એ સન્માનની વાત હતી. અમે તમામ પૃષ્ઠભૂમિની યુવા પેઢીઓને જાહેર સેવા માટે સક્રિયપણે પ્રતિબદ્ધ થવા માટે પ્રેરિત કરવા બદલ તેમનો આભાર માનીએ છીએ, અને અમે અમારા મહાન રાષ્ટ્રની સતત સફળતા માટે અમારી પ્રાર્થના કરીએ છીએ.”

એક સ્વયંસેવકે સુનકને જણાવ્યું હતું કે “હું તમારી જીત માટે સખત પ્રાર્થના કરું છું, ખાતરી કરજો કે તમે તે મેળવશો. જેનો સુનકે આભાર માન્યો હતો.’ સુનક અને મૂર્તિએ છેલ્લે સપ્ટેમ્બરમાં G20 સમિટ વખતે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY