ચીની કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરી રહી છે. ચીની સરકાર સાથે સાંઠ-ગાંઠ ધરાવતી આ કંપની ભારતમાં ૧૦ હજારથી વધુ અને દુનિયાભરમાં ૨૪ લાખ લોકોની માહિતી ટ્રેક કરી રહી છે અને સતત તેમના પર વૉચ રાખીને બેઠી છે. અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ અને બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયને’ આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. એ પ્રમાણે વડાપ્રધાનથી માંડીને મેયર સુધીના મહત્ત્વના નેતાઓની પ્રોફાઈલ પર ચીન નજર રાખી રહ્યું છે.
આ વેબસાઈટ ચીન માટે જરૂરી લાગે એ અગ્રણીઓની ઓનલાઈન પ્રોફાઈલ પર સતત નજર રાખે છે. કોઈ વ્યક્તિ શું કરે છે, કોને પસંદ કરે છે, કેવી વિચારધારા છે, પરિવારમાં કોણ છે, સગાં-વ્હાલા નજીકના મિત્રો કોણ છે, કોની કોના પર અસર છે.. વગેરે વિગતો સાથે જે તે વ્યક્તિની પ્રોફાઈલ તૈયાર કરાય છે. તેના આધારે કોઈ વ્યક્તિને પ્રભાવિત કરવી હોય તો શું કરવું પડે એ જાણી શકાય. આ સમગ્ર પ્રોજેક્ટ ઓવરસિઝ કી ઈન્ફોર્મેશન ડેટાબેઝ (ઓકેઆઈડી) તરીકે ઓળખાય છે.
ભારત બહાર પણ ચીને જાસૂસીની જાળ વ્યાપકપણે ફેલાવી છે. સમગ્ર વિશ્વમાં ૨૪ લાખ લોકો ચીનના રડારમાં છે. એક રીપોર્ટ પ્રમાણે અમેરિકાના ૫૨ હજાર, ઓસ્ટ્રેલિયાના ૩૫ હજાર અને બ્રિટનના દસ હજારથી વધારે લોકોનો ડેટા એકત્ર કરાયો છે. એમાં દેશના મહત્ત્વના રાજકારણીઓનો સમાવેશ થાય છે.
કેટલાક કિસ્સામાં તો બેન્ક એકાઉન્ટ જેવી ગુપ્ત વિગતો પણ મેળવી લેવાઈ છે.આ કંપનીએ એ વાત સ્વિકારી પણ લીધી છે કે તે માહિતી એકત્ર કરે છે. પરંતુ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે અમે તો માત્ર એટલી જ વિગતો એકત્ર કરીએ છીએ, જે પબ્લિક ડોમેઈન (જાહેરમાં, સોશિયલ મીડિયા પર, વેબસાઈટ) પર મુકવામાં આવી હોય. અમારી કંપની ખાનગી છે અને સરકાર કે ચીની લશ્કર સાથે અમારે કોઈ લેવા-દેવા નથી.
આ અહેવાલ પછી કોંગ્રેસે સરકારને કહ્યુ હતુ કે વહેલી તકે દેશની સાયબર સુરક્ષા મજબૂત કરાય. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ચીનની આ જાસૂસી દેશ માટે ચિંતાજનક હોવાનું કહ્યું હતું. સાથે સાથે તેમણે કહ્યું હતુ કે સરકાર આ મુદ્દે કંઈ કાર્યવાહી કરશે? તો વળી કોંગ્રેસના અન્ય નેતાઓએ આ તો સરકારની જ નિષ્ફળતા છે એવો બળાપો કર્યો હતો.