વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને એના વિશે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ મોદીએ એકતા મોલનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે જોડાયા હતા.
આરોગ્ય વન
માનવીના આરોગ્યને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.
એકતા મોલ
પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલ છે.