સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અમેરિકામાં આરોપ મૂકવામાં આવ્યા પછી ગુરુવારે, 21 નવેમ્બરે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં 23 સુધી સુધીનું ધોવાણ થયું હતું. ગ્રુપના માર્કેટવેલ્યુએશનમાં એક જ દિવસમાં આશરે રૂ.2.45 લાખ કરોડનું ધોવાણ થયું હતું.
ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 22.99 ટકા, અદાણી પોર્ટ્સ 20 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 20 ટકા, અદાણી ગ્રીન એનર્જી 19.53 ટકા અને અદાણી ટોટલ ગેસ બી પર 18.14 ટકા તૂટ્યો હતો.અદાણી પાવરના શેરમાં 17.79 ટકા, અંબુજા સિમેન્ટના શેરમાં 17.59 ટકા, ACC 14.54 ટકા, NDTV 14.37 ટકા અને અદાણી વિલ્મરના શેરમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો.જૂથની કેટલીક કંપનીઓ પણ દિવસ માટે મંદીની સર્કિટ લાગી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય બિલિયોનેર ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર (આશરે રૂ.2,100 કરોડ)ની લાંચ આપવાના કથિત ષડયંત્રમાં સંડોવણીના ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપ મૂક્યા છે.