નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબરીમાં તા. 7ના રોજ 4006 કિંગ્સબરી રોડના રો ગ્રીન સાથેના જંકશન પાસે મધરાત્રે થયેલા વાહન અકસ્માતમાં 65 વર્ષના અમ્રિતા પટેલનું નિધન થયું હતું. મહિલાના મૃત્યુ પછી ભાગી ગયેલા કાર ડ્રાઇવરને જોપીસે ઝડપી લઇ તેને કોર્ટમાં રજ કરી તહોમત મૂક્યું હતું.
બનાવ અંગે પોલીસે ફાલ્ડો રોડ, બેડફોર્ડના જર્માઈન લેરોય એલન (ઉ.વ. 30)ને તા. 13 નવેમ્બરના રોજ વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરી જોખમી ડ્રાઇવિંગ, વીમા વિના ડ્રાઇવિંગ અને અકસ્માત પછી રોકાવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો હતો.
અકસ્માત માટે પેરામેડિક્સ અને મેટ પોલીસ અધિકારીઓને ગુરુવારે સવારે 12.25 વાગ્યે બોલાવાયા બાદ ઘાયલ મહિલાની તબીબો દ્વારા સારવાર કરવામાં આવ્યા છતાં તેણીનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું હતું.
પોલીસે મહિલાના નજીકના સગાઓને જાણ કરી હતી અને વિશેષ તાલિમ પામેલા અધિકારીઓ દ્વારા તેણીના પરિવારને ટેકો આપવામાં આવી રહ્યો છે.
પોલીસનું કહેવું છે કે કારમાં સવાર એક ડ્રાઈવરે મહિલાને ટક્કર મારી હતી, પરંતુ અધિકારીઓ પહોંચ્યા ત્યાં સુધીમાં તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
મોતને ભેટેલા અમ્રિતા પટેલ પોતાની પાછળ બે સંતાનો, ત્રણ ભાઈ-બહેનો અને વિશાળ પરિવારને છોડી ગયા છે. અમ્રિતાબેને 90ના દાયકાની શરૂઆતમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બે બાળકો સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યું હતું. માતા, પિતા, શિક્ષક અને શ્રેષ્ઠ મિત્રની ભૂમિકા ભજવીને અમ્રિતાએ પોતાના પુત્ર અને પુત્રીને એકલા હાથે ઉછેર્યા હતા.
અમ્રિતાબેન ઘણાં જ હિંમતવાન અને મક્કમ હતા અને એક ઉદ્યોગસાહસિક તરીકે તેઓ ફૂલની બે દુકાનો અને ત્રણ રેસ્ટોરન્ટ ધરાવે છે. તેમણે ડેલ્ટા એરલાઇન્સમાં અને હોસ્પિટાલિટીનું કામ કર્યું હતું. ક્યારેય કામ કરવાનું બંધ નહિં કરનાર અમ્રિતાબેન બનાવના દિવસે પણ કામ પરથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.
અમ્રિતાબેન સાત વર્ષ પહેલાં તેમના પિતાની દેખરેખ માટે લંડન પાછા આવ્યા હતા. તેમના સંતાનો યુએસમાં ચિકિત્સક અને વકીલ તરીકે સેવાઓ આપે છે.
અમ્રિતાબેનના અંતિમ સંસ્કાર 16 નવેમ્બરના રોજ યોજાયા હતા, જેમાં 800 થી વધુ લોકો ઑનલાઇન અને વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા.
આ ઘટનાને જોનાર લોકોને અથવા જેમની પાસે ડેશકેમ ફૂટેજ હોય તેમને પોલીસને 101 પર કૉલ કરવા અથવા 153/7NOV ટાંકીને X @MetCC પર પોસ્ટ કરવા વિનંતી કરાઇ છે. નનામી જાણ કરવા માંગતા લોકો સ્વતંત્ર ચેરિટી ક્રાઈમસ્ટોપર્સને 0800 555 111 પર કૉલ કરી શકે છે.