લંડન-મુંબઈ વર્જિન એટલાન્ટિક ફ્લાઇટના 250થી વધુ મુસાફરો આશરે 40 કલાક કરતાં વધુ સમયથી તુર્કીના દિયારબાકીર એરપોર્ટ પર અટવાયેલા છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું છે કે 2 એપ્રિલના રોજ લંડનથી મુંબઈ જતી VS358 ફ્લાઇટને દિયારબાકીર એરપોર્ટ પર મેડિકલ ઇમર્જન્સને કારણે ઉતારવામાં આવી હતી. લેન્ડિંગ પછી વિમાનમાં ટેકનિકલ સમસ્યા આવી હતી અને તપાસ ચાલુ છે.
વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ જણાવ્યું કે “અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને અમે થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ. જરૂરી તકનીકી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી, અમે શુક્રવાર 4 એપ્રિલના રોજ સ્થાનિક સમય મુજબ 12:00 વાગ્યે દિયારબાકીર એરપોર્ટથી મુંબઈ માટે VS1358 ફ્લાઇટ ચાલુ રાખીશું. જો મંજૂરીઓ નહીં મળે, તો અમે મુસાફરોને બસમાં બેસાડીને તુર્કીના બીજા એરપોર્ટ પર ટ્રાન્સફર કરીશું અને તે પછી બીજા વિમાન મારફત મુસાફરોને મુંબઈ પહોંચાડવામાં આવશે. તુર્કીમાં મુસાફરોને માટે રહેવાની અને નાસ્તની સુવિધા આપવામાં આવે છે.
ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓ જણાવી છે. ઘણા લોકોએ એરપોર્ટ પર રાહ જોઈ રહેલા 300 જેટલા મુસાફરો માટે એક જ શૌચાલય હોવાની ફરિયાદ કરી હતી. એક મુસાફરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મુસાફરોને સિંગલ-ડિજિટ તાપમાનનો સામનો કરવા માટે ધાબળા પૂરા પાડવામાં આવ્યા ન હતા. વિઝ્યુઅલ્સમાં મુસાફરો એરપોર્ટની સીટ પર આરામ કરી રહ્યા હતા, જે વિક્ષેપ પછી વિલંબ અને અનિશ્ચિતતાથી સ્પષ્ટપણે વ્યથિત હતા.
