ટર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના પીડિતો માટે ન્યૂજર્સીના રોબિન્સવિલેસ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સેવાકાર્યો શરૂ કરાયા છે. ભૂકંપના અસરગ્રસ્તો માટે 25 ફેબ્રુઆરીએ મંદિરમાં ખાસ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. બીએપીએસ સમુદાયના સભ્યોએ આ ભૂકંપ પીડિતો માટે BAPS ચેરિટીઝ દ્વારા એમ્બ્રેસ રીલીફ ફાઉન્ડેશનને 25 હજાર ડોલરનું ઉદાર દાન આપ્યું હતું.
ટર્કીમાં હજ્જારો લોકો વિસ્થાપિત થઇ રહ્યા છે ત્યારે એમ્બ્રેસ રીલીફ ફાઉન્ડેશન દ્વારા તેમને જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે. આ દાન દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન, ઘર માટે મદદ અને જરૂરી ચીજ-વસ્તુઓ તાત્કાલિક મોકલવામાં આવશે.
એમ્બ્રેસ રીલીફ ફાઉન્ડેશનના સીઈઓ, ઓસ્માન દુલ્ગરોગ્લુએ આવા ઉદાર દાન માટે BAPS પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, “હું ખરેખર તમારી ઉદારતાથી પ્રભાવિત થયો છું અને આ સંકટ સમયે તમારી મદદ બદલ હું મારી લાગણી વ્યક્ત કરી શકતો નથી. આવો સહકાર આપવા બદલ આપનો આભાર. જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે તેમને આ મદદથી નવી આશા બંધાશે.” આ નિમિત્તે ન્યૂ જર્સીમાં ટર્કિશ કલ્ચરલ સેન્ટરના સભ્યો અને સેન્ટ્રલ જર્સી કમ્યુનિટી સેન્ટરના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રોબિન્સવિલે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર એક એવો સમુદાય છે જે જરૂરિયાતમંદોને મદદ કરવામાં હંમેશા સમર્પિત રહે છે. વિશ્વભરમાં લોકોનું જીવન સુધારવા માટે સંસ્થા દ્વારા જુદા જુદા સખાવતી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. 2022માં યુક્રેનમાં યુદ્ધ દરમિયાન માનવતાવાદી સંકટમાં સમુદાયના સ્વયંસેવકોએ સેવા બજાવી હતી.