હાર્લોની પ્રિન્સેસ એલેક્ઝેન્ડ્રા હોસ્પિટલમાં મોતને ભેટેલી એક વૃધ્ધાની આંગળીઓ પરથી £13,500 કરતાં વધુ મુલ્યની તેના લગ્ન અને સગાઇની બે વીંટીઓ ચોરાઇ ગઇ હોવાનો ધૃણાસ્પદ બનાવ બહાર આવ્યો છે.
ઘરે પડી ગયા બાદ, વૃધ્ધ મહિલાને શનિવાર, 6 માર્ચના રોજ એસેક્સના હાર્લોમાં આવેલી પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલના ટાઇ ગ્રીન વોર્ડમાં લઈ જવામાં આવી હતી. તેણીનું ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મરણ થયું હતું.
સતત પત્નીની સેવા માટે પડખે ઉભા રહેનાર તેના પતિ, પત્નીનો સામાન એકત્રિત કરવા હોસ્પિટલ જતાં તેમને જાણવા મળ્યું હતું કે તેની પત્નીની સગાઈની વીંટી અને બીજી લગ્નની વીંટી ગાયબ હતી. સારવાર દરમ્યાન પણ આ વીંટીઓને તે મહિલાએ કદી કાઢી નહતી. પોલીસ હવે માને છે કે તેની ચોરી કરાઇ હતી.
તપાસનું નેતૃત્વ કરતા હાર્લો લોકલ પોલિસીંગ ટીમના પીસી ડેનિયલ બર્ન્સે કહ્યું હતું કે “આ બંને રિંગ્સ પતિ માટે ખૂબ જ ખાસ હતી અને તે અમેરિકાથી ખરીદવામાં આવી હતી. તે મહિલાના પતિ આ બનાવથી વ્યથિત અને અસ્વસ્થ છે. અમે આ રીંગ્સની માહિતી આપવા અપીલ કરીએ છીએ.’’