અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટપદના ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર કમલા હેરીસે રેસિઝમ અને કોરોના મહામારીના મામલે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોરોના મુદ્દે તેઓ ઘણીવાર ખોટું બોલ્યા છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની ચર્ચામાં હેરિસે જણાવ્યું હતું કે, મહામારીની શરૂઆતમાં ટ્રમ્પ તેને અફવા જણાવતા હતા. તેમણે આરોગ્ય નિષ્ણાતોની મજાક ઉડાવી હતી. તેમણે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની વાત ધ્યાનમાં લીધી હોત તો તેની ગંભીરતા સમજી શક્યા હોત. હેરિસે વધુમાં જણાવ્યું કે, ટ્રમ્પ અને એટર્ની જનરલ વિલિયમ બાર હકિકતોથી દૂર છે.
અમેરિકાની હકિકત એ છે કે જે અમે ઘણી પેઢીઓથી જોઇ છે. આપણા દેશમાં ન્યાય માટે બે સીસ્ટમ છે. અગાઉ વિલિયમ બારે અમેરિકામાં વંશીય ભેદભાવની વાત નકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે ત્યાં ન્યાયની એક જ સીસ્ટમ છે. દેશમાં અશ્વેતો પર પોલીસ ફાયરિંગની ઘટના વંશીય આધારે ભેદભાવને કારણે નથી. હેરિસે આ દરમિયાન આફ્રિકન-અમેરિકન પર પોલીસની ક્રુરતા અંગે જણાવ્યું કે, આ અંગે આપણે ઇમાનદાર રહેવું પડશે અને માનવું પડશે કે આપણા દેશમાં વંશીય આધાર પર ઘણા ભેદભાવ રાખવામાં આવે છે. અમેરિકાના મિનેપોલીસમાં જ્યોર્જ ફ્લોઇડ, લુઇસવિલેમાં બ્રેઓના ટેલર, કેનોશામાં જેકબ બ્લેક અને રોસ્ટરમાં ડેનિયલ પર્ડ્યૂ વિરુદ્ધ પોલીસની ક્રુરતા સામે દેખાવો થઇ રહ્યા છે. જોકે, વ્હાઇટ હાઉસે આ આરોપો ફગાવ્યા છે.
ટ્રમ્પે ચૂંટણી પહેલા ઓક્ટોબરમાં રસી આવવાની વાત કરી હતી. તે અંગે હેરિસે જણાવ્યું હતું કે, આપણે સમજવું જોઇએ કે, મહામારીની શરૂઆતથી ટ્રમ્પે જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. મને ટ્રમ્પ પર વિશ્વાસ નથી. હું આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની વાત પર વિશ્વાસ કરીશ.
કેલિફોર્નિયાનાં સેનેટર હેરિસે ટ્રમ્પ પર રસી અંગે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રસી આ વર્ષના અંત અથવા તો આવતા વર્ષે આવી શકે છે. પરંતુ ટ્રમ્પ ઉતાવળ કરી રહ્યા છે, કારણ કે તેમને પોતાનો ચહેરો ચમકાવવો છે. હેરિસે આ દરમિયાન ચૂંટણીમાં રશિયાની દખલ અને બીજા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.