નોર્થ વેસ્ટ લંડનના રીજેન્ટ્સ પાર્કના પાર્ક રોડ પર આવેલી લંડન સેન્ટ્રલ મસ્જિદમાં ગત 20 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ બપોરે 3-10 કલાકે એક હુમલાખોર યુવાને છરી વડે હુમલો કરાતા ઘાયલ થયેલા 70 વર્ષીય બાંગી રાફત મગલાદ 22 તારીખે વહેલી સવારે પ્રાર્થના કરવા મસ્જીદમાં પાછા ગયા હતા અને હુમલાખોરને માફ કરતા જણાવ્યુ હતું કે “તે પણ માનવી છે અને તેને માફ કરવો તે મારો ધર્મ છે. જો કે કોઇ પણ મને પ્રાર્થના કરવાનું બંધ કરાવી શકશે નહીં”.
લગભગ 25 વર્ષોથી બાંગી તરીકે સેવા આપતા અને જમણા હાથમાં હલનચલન ગુમાવનાર રાફત મગલાદે જણાવ્યું હતું કે ‘’આ હુમલામાં તેમના જીવને જોખમ હતુ. મેં પ્રાર્થના કરવા માટે મારી આંખો બંધ કરી માથું નમાવ્યુ હતુ કે મને કોઇકે માર્યુ હોય તેમ લાગ્યુ હતુ. મેં મારો હાથ ઉપર કરી ઘા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. બધાએ હુમલાખોરને અટકાવ્યો હતો અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. ખભા અને ગળા વચ્ચે થયેલી ઇજાના કારણે મારો હાથ હલાવી શકતો નથી. એમઆરઆઈની તપાસ પછી જ ખબર પડશે.
હુમલાખોરને લોકોએ પકડી લઇ પોલીસને સોંપી દીધો હતો. જ્યારે રાફતને હોસ્પિટલમાં સારવાર આપી રજા આપવામાં આવી હતી.
લંડનના મેયર સાદિક ખાન 21 તારીખે નમાઝ કરવા તે મસ્જીદમાં જોડાયા હતા અને જણાવ્યુ હતુ કે “લંડનના દરેક વ્યક્તિને તેમનુ પ્રાર્થનાનુ સ્થળ સલામત લાગવુ જોઇએ. હું લંડનના સમુદાયોને આશ્વાસન આપવા માંગું છું કે આપણા શહેરમાં હિંસાના કૃત્યોને સહન કરવામાં આવશે નહીં.”
ટાઇમ્સે જણાવ્યુ હતુ કે રાફત મગલાદ શંકાસ્પદ વ્યક્તિને શિખવતા જોવા મળ્યા હતા અને માનવામાં આવે છે કે યા તો તેનુ ધર્માંતરણ કરાતુ હતુ કે તેને પાછો ધર્મમાં લવાતો હતો.
પોલીસે 29 વર્ષીય ડેનિયલ હોર્ટોનને ઇજા પહોંચાડવા અને ધારદાર શસ્ત્ર રાખવાના આરોપ બદલ તા. 21ના રોજ વેસ્ટમિંસ્ટરના મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાં તેને શુક્રવાર, તા. 20 માર્ચે સધર્ક ક્રાઉન કોર્ટમાં હાજર કરવા કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ વેસ્ટ કમાન્ડ યુનિટના અધિકારીઓ વધુ તપાસ કરે છે. આ ઘટનાને આતંકવાદ સંબંધિત માનવામાં આવતી નથી.
