રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના નશ્વરદેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. (ANI Photo)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના મહાનુભાવોએ શુક્રવારે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય પ્રધાનો અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ પણ બે ટર્મના વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડે મનમોહન સિંહના નિવાસસ્થાનની મુલાકાત લઇને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી તથા તેમની પત્ની અને પરિવારના બીજા સભ્યોને મળ્યાં હતાં. વડા પ્રધાન મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભારતના આર્થિક સુધારાના જનક અને બે વખતના વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું.તિરંગામાં લપેટાયેલા મનમોહન સિંહના પાર્થિવદેહને દિલ્હીમાં તેમના 3, મોતીલાલ નહેરુ રોડ પરના નિવાસસ્થાન પર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓ છેલ્લા 10 વર્ષથી રહેતાં હતાં.

મનમોહન સિંહના અવસાનને રાષ્ટ્ર માટે એક મોટી ખોટ ગણાવી મોદીએ જણાવ્યું હતું કે લોકો અને દેશના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતાનું હંમેશા સન્માન કરવામાં આવશે. મનમોહન સિંહે પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણાં પ્રધાન તરીકે દેશને એક નવા આર્થિક માર્ગ પર મૂક્યો હતો. વડાપ્રધાન તરીકે દેશના વિકાસ અને પ્રગતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરાયો હતો તથા તેમને રાષ્ટ્રીય જીવન પર ઊંડી છાપ છોડનાર પ્રતિષ્ઠિત રાજનેતા અને જાણીતી અર્થશાસ્ત્રી તરીકે બિરદાવ્યા હતાં. કેબિનેટે દિવંગત આત્માના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું અને સિંહની યાદમાં શોક ઠરાવ પસાર કર્યો હતો. સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાનના માનમાં સાત દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.

કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે મનમોહન સિંહના શનિવારે અંતિમ સંસ્કાર કરાશે અને શનિવારે સવારે 9.30 વાગ્યે કોંગ્રેસ હેડક્વાર્ટરથી તેમની અંતિમ યાત્રા શરૂ થશે

કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ, હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી પણ પૂર્વ વડાપ્રધાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હી આવ્યા હતાં. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY