મોદી સરકારે નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવન આવેલા મુઘલ ગાર્ડનનું નામ બદલી ‘અમૃત ઉદ્યાન’ કર્યું હતું. 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. અગાઉ મોદી સરકારે દિલ્હીમાં ઘણા મુઘલ શાસકોના નામ પર બનેલા રસ્તાઓના નામ પણ બદલ્યાં છે. ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરાયું હતું.
આ રાષ્ટ્રપતિ ભવને જારી કરેલા નિવેદન મુજબ અમૃત ઉદ્યાન આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે, આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનનો મુઘલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. 15 એકરમાં ફેલાયેલ આ બગીચો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન અને મુઘલ ગાર્ડનની ડિઝાઈન અંગ્રેજ આર્કિટેક્ટ સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી. મુઘલ ગાર્ડન 12 ભાગોમાં વહેંચાયેલું છે.