ક્રિસમસ નિમિત્તે યુકેનાં સામ્રાજ્ઞી એલિઝાબેથ-ટુની હત્યા કરવા માટે એક શીખ યુવક તેમનાં પેલેસમાં ઘૂસી ગયો હતો. તે યુવક રાણીની હત્યા કરી વર્ષ 1919માં સર્જાયેલા જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા ઇચ્છતો હતો. પોલીસે યુવકની હથિયાર સાથે ધરપકડ કરી છે. બ્રિટિશ મીડિયાના જણાવ્યા મુજબ 19 વર્ષના આ યુવકનું નામ જસવંત સિંઘ છૈલ છે. ક્રિસમસના દિવસે આ ઘટનાની માહિતી બહાર આવી હતી.
આ યુવકે ક્રિસમસના દિવસે સોશિયલ મીડિયા પર અપલોડ વીડિયોમાં જણાવ્યું હતું કે, મેં જે કર્યું છે અને જે કરીશ તેના માટે મને ખેદ છે. હું રોયલ ફેમિલીની મહારાણી એલિઝાબેથને મારવાનો પ્રયત્ન કરીશ. આ એ લોકોનો બદલો છે કે જેમની વર્ષ 1919ના જલિયાવાલાં બાગ હત્યાકાંડમાં મૃત્યુ થયા હતા. આ એવા લોકોનો પણ બદલો છે કે જેમને તેમની જાતિને લીધે મારવામાં આવ્યા અથવા તો અપમાનિત કરવામાં આવ્યા છે. હું એક ભારતીય શીખ છું. મારું નામ જસવંત સિંહ છૈલ હતું, મારું નામ ડાર્થ જોન્સ છે.
સ્થાનિક પોલીસે આ અંગે જણાવ્યું છે કે, વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. મહારાણીને મારવા માટે આરોપીએ વિચિત્ર હૂડી અને માસ્ક લગાવી મહેલમાં ઘુસ્યો હતો. CCTV ફૂટેજમાં તે દીવાલ પર ચડતો દેખાયો છે. તેમના હાથમાં હથિયાર પણ હતું. પોલીસે તેની મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ ધરપકડ કરી છે.
આ યુવકના વીડિયોમાં પાછળ સ્ટાર વોર્સ કેરેક્ટર ડાર્થ માલગસની તસવીર હતી. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, હું તમામની માફી માગુ છું. તેમની સાથે મે ખોટું કર્યું હતું અથવા ખોટું બોલ્યો. જો તમને આ સંદેશ મળ્યો છે, તો મારું મોત નજીક છે. આ વીડિયો વધારે લોકોને આગળ મોકલો.
13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં રોલેટ એક્ટના વિરોધમાં સભા કરી રહેલા હજારો લોકો પર જનરલ ડાયરે ગોળી ચલાવી હતી અને તેમાં એક હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાનો બદલો લેવા ઇચ્છતો હતો યુવક.