રાજકોટની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીએ ઉઠમણું કરતાં રોકાણકારોના રૂ.60 કરોડ ફસાયા હોવાનું માનવામાં આવે છે. મંડળીના ચેરમેન, વાઈસ-ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ કેળવી 60 કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન થઇ ગયા છે. રાજકોટ પોલીસ સ્ટેશનમાં મંડળીના ચેરમેન સંજય દુધાત્રા, વાઈસ-ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે રાજકોટના સંજયભાઈ સોજીત્રાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીના પરિવારના 22 જેટલા સભ્યો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. રોકાણકાર મુકેશભાઈ લિંબાસિયાએ જણાવ્યું હતું કે રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન સંજયભાઈ દુધાત્રાએ મારા જેવા અનેક લોકોને વિશ્વાસમાં લઈ બચતખાતાના નામે નાણાં એકત્ર કર્યાં હતાં. સંજયભાઇએ પોતાના મોજ-શોખ માટે અમારા પૈસા વાપર્યા છે. સંજયભાઈ પાસે દરેકને રૂપિયા આપી શકે એવી સક્ષતા છે અને તેની પાસે પ્રોપર્ટી પણ વધારે છે.
શરાફી સહકારી મંડળીમાં જે-જે લોકોએ રોકાણ કર્યું છે અને જે લોકો આ મંડળીની ઉચાપતનો ભોગ બન્યા છે તેઓ મંડળી દ્વારા ફાળવવામાં આવેલી થાપણની રસીદની નકલો સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી.