(ANI Photo)

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન બંને દેશો વચ્ચે તેમના નેતાઓ દ્વારા પારસ્પરિક વાર્ષિક મુલાકાતો માટે નિર્ધારિત માળખાના ભાગરૂપે આવતા વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે. બંને પક્ષો મુલાકાતની શક્યતા ચકાસી રહ્યા છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી, એમ રાજદ્વારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.

જુલાઈમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને મોસ્કોમાં શિખર મંત્રણા કરી ત્યારે મોદીએ રશિયન પ્રેસિડન્ટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

અગાઉ મંગળવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે વરિષ્ઠ ભારતીય સંપાદકો સાથેના વીડિયો વાર્તાલાપમાં ભારત અને રશિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું કે પુતિન ટૂંકસમયમાં ભારતની મુલાકાત લેશે. જોકે તેમણે કોઈ ચોક્કસ તારીખો આપી ન હતી. પેસ્કોવે કહ્યું હતું કે “અમે મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. તારીખો પરસ્પર સંમતિથી ટૂંક સમયમાં નક્કી કરાશે.”

LEAVE A REPLY