ઉત્તરાખંડ કેબિનેટે રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના અંતિમ મુસદ્દાને મંજૂરી આપી હતી. તેનાથી રાજ્યની વિધાનસભામાં આ બિલ રજૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો. જો ઉત્તરાખંડમાં આ બિલને મંજૂરી મળશે તો તે યુજીસીનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે. મોદી સરકાર દેશભરમાં યુજીસીનો અમલ કરવા માગે છે.
ઉત્તરાખંડ વિધાનસભાના ચાર દિવસના સત્રનો સોમવારથી પ્રારંભ થશે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં રવિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને મળેલી બેઠકમાં કેબિનેટે UCC ડ્રાફ્ટને બહાલી આપી હતી.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની પાંચ સભ્યોની પેનલે ચાર વોલ્યુમમાં 740 પાનાનો UCC ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સમિતિએ શુક્રવારે આ ડ્રાફ્ટ સીએમને આપ્યો હતો. ખાસ કરીને UCC પર કાયદો પસાર કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ગૃહમાં તેની રજૂઆત માટે રાજ્ય કેબિનેટની મંજૂરી જરૂરી હતી.
ઉત્તરાખંડ બિલની મુખ્ય જોગવાઈ મુજબ બહુવિવાહ પર પ્રતિબંધ આવશે તથા છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે તે 21 વર્ષ હશે. છોકરીઓને વારસામાં છોકરાઓ જેવા જ અધિકારો હશે. અનુસૂચિત જનજાતિના લોકો આ સીમાની બહાર રહેશે. હલાલા અને ઇદ્દતની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.