લંડનના શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે એક દિવસમાં 1,300થી વધુ લોકોને કોવિડ-19ની રસી આપી શકાય તેવું રસીકરણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. આખી દુનિયામાં સૌ પ્રથમ રસીકરણ કેન્દ્ર બનનાર આ મંદિરના સ્ટેટ ઓફ ધ આર્ટ મલ્ટિફંક્શન હૉલમાં 20 જી.પી. પ્રેક્ટિસના જૂથ હાર્નેસ કેર દ્વારા બ્રેન્ટ વિસ્તારના સમુદાયને રસી આપવામાં આવશે.
એનએચએસ ઇંગ્લેન્ડને ડર છે અને જીપીએ ચેતવણી આપી છે કે અફવાઓના કારણે યુકેના દક્ષિણ એશિયન સમુદાયોના કેટલાક લોકો કોવિડ રસી લેવાનું નકારે તેવી સંભાવના છે ત્યારે મંદિરમાં બનેલું રસીકરણ કેન્દ્ર હિન્દુઓને રસી લેવા પ્રેરશે.
જી.પી. અને હાર્નેસ કેરના અધ્યક્ષ ડૉ. સચિન પટેલે જણાવ્યું હતું કે, “મંદિરમાં સ્થાપવામાં આવેલ આ રસીકરણ કેન્દ્ર હિન્દુઓ અને વિશાળ સાઉથ એશિયન સમુદાયને એક સ્પષ્ટ સંદેશો આપશે કે આ રસી સુરક્ષિત અને માન્ય છે. આ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે તે માટે અમે તેમના આભારી છીએ.”
“સમુદાયને પ્રેરણા આપવા”ના મિશન હેઠળ વિશ્વના સૌ પ્રથમ ઇકો-મંદિર તરીકે 2014માં સ્થપાયેલા મંદિરે નિયમિત ફંડરેઇઝીંગ કાર્યક્રમો અને રક્તદાન શિબીરના આયોજનો કરીને પોતાને સમુદાયના મુખ્ય આધારસ્તંભ તરીકે સ્થાપિત કર્યુ છે. રોગચાળા દરમિયાન, મંદિરે મદદ કરવા રક્તદાન શિબીર યોજવાનું ચાલુ રાખ્યું છે. લંડનના મેયર સાદિક ખાન મંદિરની ઘણી વખત મુલાકાત લઈ ચૂક્યા છે અને બોરીસ જોન્સને 2014માં મલ્ટિફંક્શન હૉલનો શુભારંભ કર્યો હતો.
મંદિરના ટ્રસ્ટી અને ઇમ્યુનોલોજીસ્ટ અને રીસર્ચર ઇન સેલ એન્ડ જીન ડૉ. મહેશ વરસાણીએ જણાવ્યું હતું કે, “આ કેન્દ્રનો હેતુ અઠવાડિયામાં હજારો લોકોને રસી આપવાનો અને તેમની ચિંતાને દૂર કરવાનો છે. આ રસી સલામત અને અસરકારક છે, અને તેમાં અથવા ઉત્પાદન પ્રક્રિયામાં એવું કશુ નથી કે જેથી હિન્દુ ધર્મના સિદ્ધાંતને તકલીફ થાય. આ મંદિરના સ્થાપક આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયાદાસજી સ્વામીશ્રી “’સમાજ સેવા આપણું મુખ્ય કર્તવ્ય છે”ના મૂળ મંત્રને પગલે વર્ષ 2000થી હિન્દુઓને ઓર્ગન અને બ્લડ ડોનેશન વિષે સમજ આપી રહ્યું છે. આ રસીકરણ કેન્દ્ર પણ સ્થાપક આચાર્ય સ્વામીશ્રી દ્વારા પ્રેરિત છે અને વર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયાદાસજી સ્વામીજીએ પણ આ માટે ભારપૂર્વક પ્રોત્સાહન આપ્યું છે.’’
મંદિર દ્વારા આઇટી અને લોજિસ્ટિક્સની સાથે ઓપરેશનલ પ્લાનિંગ અને અમલીકરણની સુવિધા પણ આપવામાં આવી છે અને એન.એચ.એસ. સ્ટાફ ઉપરનું દબાણ ઘટાડવા સમુદાયના સભ્યો પણ સ્વયંસેવકો તરીકે આગળ વધ્યા છે.
વેક્સીન પ્રોગ્રામ મેનેજર, જી.પી. ફાર્માસિસ્ટ અને મંદિરના સક્રિય સભ્ય દર્શના પટેલ મંદિર ખાતે રસી આપશે અને તેઓ પણ રસી અંગે જનજાગૃતી કરી રહ્યા છે.