બ્રિટનમાં મકાનોના ભાવમાં ફેબ્રુઆરી માસમાં જુલાઈ 2018 પછી સૌથી ઝડપી ગતિએ ભાવમાં વધારો થયો છે એમ નેશનવાઇડ બેન્કે જણાવ્યુ હતુ. ડિસેમ્બરની ચૂંટણીઓ પછી હાઉસિંગ માર્કેટ અને અર્થવ્યવસ્થામાં વ્યાપક ઉછાળો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી 2019ની તુલનામાં મકાનોની કિંમતોમાં 2.3% નો વધારો થયો છે. જ્યારે જાન્યુઆરીમાં તે વધારો 1.9%નો હતો. મકાનોના ભાવો 2020માં સંપૂર્ણ રીતે સ્થિર રહેશે.”
વડા પ્રધાન બોરીસ જ્હોન્સનની જોરદાર ચૂંટણી જીતથી બ્રિટનની અર્થવ્યવસ્થા પર ઘેરાઇ રહેલી ટૂંકા ગાળાની અનિશ્ચિતતા સાફ થઇ હતી અને 31 જાન્યુઆરીના રોજ ઇયુમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો હતો. સર્વેક્ષણો મુજબ છેલ્લા 18 મહિનામાં બ્રિટીશ ગ્રાહકોએ ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ વિશ્વાસ દર્શાવ્યો હતો અને કંપનીઓ પણ વધુ સકારાત્મક છે.
બેંક ઑફ ઇંગ્લેન્ડે અર્થતંત્રમાં સુધારણાના પ્રારંભિક સંકેતો જોતાં ગયા મહિને વ્યાજના દરમાં ઘટાડો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. માસિક દ્રષ્ટિએ મકાનોની કિંમતોમાં 0.3% નો વધારો થયો છે, જે જાન્યુઆરીના 0.5%ના વધારા કરતા ધીમો છે.