પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે અરજી કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં નાટકીય ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓમાં ઘટાડાને કારણે ઓછા બજેટનો સામનો કરી રહેલી બ્રિટનની શિક્ષણ સંસ્થાઓની નાણાકીય મુશ્કેલીમાં પણ વધારો થયો છે, એમ ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની સ્થિરતા અંગેના એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

બ્રિટનની ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ (OfS)ના શુક્રવારે જારી કરાયેલા વિશ્લેષણ મુજબ 2022-23થી 2023-24 દરમિયાન ભારીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 20.4 ટકાનો ઘટાડો થયો છે. આ સંખ્યા 139,914થી ઘટીને 111,329 થઈ છે. 2022-23થી 2023-24 સુધી યુકેના સર્વિસ પ્રોવાઇડર દ્વારા અભ્યાસ માટે સ્વીકૃતિ (CAS)ની પુષ્ટિ અંગેના યુકે હોમ ઓફિસના ડેટાના આધારે આ અભ્યાસ કરાયો હતો.

યુકેમાં ભારતીય વિદ્યાર્થી જૂથોએ જણાવ્યું હતું કે કેટલાક શહેરોમાં તાજેતરના ઇમિગ્રેશન વિરોધી રમખાણો થયા હોવાથી સુરક્ષાની ચિંતા ઊભી થઈ છે. આ ઉપરાંત નોકરીની સંભાવના પણ મર્યાદિત બની છે, તેથી આ ઘટાડો અપેક્ષિત છે.
અભ્યાસમાં ચેતવણી અપાઈ છે કે ભારત, નાઇજીરીયા અને બાંગ્લાદેશ જેવા દેશોના વિદ્યાર્થીઓ આધારિત ફાઇનાન્શિયલ મોડલ ધરાવતી યુનિવર્સિટીઓને આ ટ્રેન્ડને કારણે નોંધપાત્ર અસર થવાની સંભાવના છે.

ઇન્ડિયન સ્ટુડન્ટ એસોસિયેશન (INSA) UKના પ્રેસિડન્ટ અમિત તિવારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને નવી નીતિ હેઠળ યુકેમાં તેમના પાર્ટનર્સને લાવવાની મંજૂરી નથી. આ ઉપરાંત અહીંની આર્થિક સ્થિતિ અને તાજેતરના રમખાણોને જોતાં, સરકાર આ મુદ્દાને ઉકેલ નહીં લાવે ત્યાં સુધી, યુકેની યુનિવર્સિટીઓનું ભાવિ અંધકારમય છે, કારણ કે તેઓ ભારતીય વિદ્યાર્થીઓ પર ખૂબ આધાર રાખે છે.

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) UKના વડા સનમ અરોરાએ જણાવ્યું હતું કે, “સંખ્યામાં ઘટાડા માટે ઘણા કારણો છે, જેમાં આશ્રિતો પર પ્રતિબંધ, અભ્યાસ પછીના વર્ક વિઝા અંગેની અનિશ્ચિતતા, કુશળ કામદારોના પગાર મર્યાદામાં વધારો અને યુકેમાં નોકરીઓની સંભાવનાનો અભાવનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY