જુલાઈ માસ પછી પહેલીવાર કોવિડ-19ના પોઝીટીવ ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ બીજી તરફ અલગ આંકડા સૂચવે છે કે કોવિડ-19 પોઝીટીવ કેસોનો દર ફરીથી ઉચકાવા લાગ્યો છે. તા. 27ના રોજ પૂરા થતા 11 અઠવાડિયામાં પોઝીટીવ કેસની સંખ્યા 1,522 પર પહોંચી છે જે સૌથી વધુ છે.
સાપ્તાહિક આંકડા પૂરા પાડતા સત્તાવાર ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમના ડેટા બતાવે છે કે તા. 13 અને 19 ઓગસ્ટની વચ્ચે નોંધાયેલ પોઝીટીવ ટેસ્ટની સંખ્યામાં અગાઉના અઠવાડિયાની તુલનામાં 8 ટકાનો ઘટાડો થયો છે. સતત પાંચ અઠવાડિયાના વધારા પછી આ પહેલો ઘટાડો હતો. જુલાઈની શરૂઆતમાં લૉકડાઉનના પ્રતિબંધો વધુ હળવા થયા બાદ ટેસ્ટની સંખ્યામાં 2 ટકાનો વધારો થયો હતો. જુલાઇના મધ્યમાં 540 કેસની સામે છેલ્લા અઠવાડિયામાં રોજના સરેરાશ 1,138 નવા કેસ નોંધાયા છે.
કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તા. 24 જુલાઈના રોજ દૈનિક 64 મત્યુની સરેરાશ હતી જે ઘટીને તા. 27ના રોજ ઘટીને દૈનિક 11 થઇ ગઇ હતી. તા. 27ના રોજ જારી કરવામાં આવેલા ડેટામાં બતાવવામાં આવ્યું છે કે અસ્પષ્ટ ભૂલના કારણે 1,800થી વધુ ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવામાં વિલંબ થયો હતો.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે એલબીસી રેડિયોને જણાવ્યું હતું કે “અમે એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસને 80 ટકાથી વધુ સંપર્કો સુધી પહોંચાડવા માંગીએ છીએ અને તેમણે સેલ્ફ આઇસોલેટ થવું જ જોઈએ. અમે અત્યારે માત્ર 75 સુધી પહોચ્યાં છીએ.”