હાઈ બ્લડ પ્રેશર ધરાવતી માત્ર 47 વર્ષની મહિલાનુ મરણ
સ્કોટલેન્ડની મૃતકોની સંખ્યા એક દિવસમાં ડબલ
નોર્ધર્ન આયર્લેન્ડમા પ્રથમ વ્યક્તિનુ મરણ
ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસથી 128ના મૃત્યુ
હાલમાં યુકેમાં લગભગ 140,000 પોઝીટીવ કેસ હોઈ શકે છે
લંડન યુકેનુ સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર
હવે નવો વ્યાજનો દર ફક્ત 0.1%
નિવૃત્ત થયેલા 65,000 નર્સો અને ડૉક્ટરોની ભરતી કરાશે
એક જ મહિનામાં દસ લાખ લોકો નોકરી ગુમાવે તેવો ભય
બ્રિટનમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આજે વધીને 137 પર પહોંચી ગઈ છે. સ્કોટલેન્ડમાં વ્યક્તિગત મૃત્યુઆંકની સંખ્યા રાતોરાત બમણી થઈ ગઈ છે જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં પ્રથમ મોત નોંધાયુ છે. આજે વધુ 33 વ્યક્તિના મોતની ઘોષણા કરાઇ હતી. ગયા અઠવાડિયે સ્થિતી વધુ ઝડપથી નિયંત્રણમાંથી બહાર નીકળવાનું શરૂ થયું હતુ. આજે મોતને ભેટેલી સૌથી નાની મહિલા માત્ર 47 વર્ષની છે અને તે મિડલેન્ડ્સની હોવાનુ મનાય છે. જેમને હાઈ બ્લડ પ્રેશર અને બીજી સ્વાસ્થ્યની તકલીફો હતી.
આરોગ્ય અધિકારીઓને ડર છે કે યુ.કે.માં સતત વિકટ થતી પરિસ્થિતિ ભયજનક ગતિએ આગળ વધી રહી હોવાથી કોરોનાવાયરસના જીવલેણ ચેપથી વધુ હજારો લોકો મરી જશે. જોકે આગામી દિવસોમાં સખત લોકડાઉનનો સામનો કરવા છતાં લંડનને દેશના બાકીના વિસ્તારથી કાપી નાખવામાં આવશે નહીં.
બીજી તરફ બેન્ક ઑફ ઇંગ્લેંન્ડે યુકેના અર્થતંત્રને વેગ આપવા માટેના પ્રયાસોમાં અત્યાર સુધીના ઇતિહાસના સૌથી નીચા સ્તરે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે અને હવે નવો વ્યાજનો દર ફક્ત 0.1% રહેશે. ફક્ત એક અઠવાડિયામાં જ આ બીજો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર ઘટાડાના કારણે કોરોનાવાયરસની ભાવિ અસર દેશના અર્થતંત્ર પર કેવી ને કેટલી પડશે તે સમજી શકાય છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં નિવૃત્ત થયેલા 65,000થી વધુ ભૂતપૂર્વ નર્સો અને ડૉક્ટરોને ‘તમારી એનએચએસને તમારી જરૂરિયાત છે’ એવા સ્લોગન સાથે તાજેતરમાં નિવૃત્ત થયેલા મેડિક્સની ‘આર્મી’ બનાવવા માટે એનએચએસએ ભરતી ઝુંબેશ શરૂ કરી છે. રોગચાળાને નાથવા અને નિવૃત્ત તબીબોને તાત્કાલિક મદદ માટે પાછા લાવવા સરકાર કટોકટી કાયદાનો ઉપયોગ કરશે.
ચાન્સેલર ઋષિ સુનકને એક જ મહિનામાં દસ લાખ લોકો તેમની નોકરી ગુમાવે તેવા ભય સાથે કામદારો અને માંદા લોકો માટે સપોર્ટ પેકેજ સાથે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ GCSE અને A લેવલના વિદ્યાર્થીઓને અનુમાનિત ગ્રેડ, મોક પરીક્ષાઓ, કોર્સવર્ક અને એસેસમેન્ટના આધારે GCSE અને A-લેવલના ગ્રેડ મળશે.
શાંતિ જાળવવા અને ખાદ્ય પુરવઠો સુરક્ષિત છે અને બધા લોકોને મળી રહેશે તેવી ખાતરી માટે વારંવાર વિનંતીઓ છતાં સુપરમાર્કેટોમાં લોકો ગભરાઇને ખરીદી કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી તો સવારે 6 વાગ્યે ખુલેલા સુપરમાર્કેટ્સ સવારે 9 સુધીમાં ખાલી થઇ જાય છે અને પોલીસ હોય તો પણ લોકો ચીજવસ્તુઓ માટે લડી રહ્યા છે. એશિયન ગ્રોસરી સ્ટોર્સ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવીને ગ્રોસરી પ્રોડક્ટસમાં 10થી માંડીને 50 ટકા સુધીનો ભાવવધારો કરી દેવામાં આવ્યો છે. એક એશિયન દુકાનદાર ટોયલેટ રોલના હદબહારના ભાવ લઇ રહ્યા હોવાના આક્ષેપ સાથે સોશ્યલ મિડીયા પર વિડીયો વાયરલ થયો હતો.
સરકારના સલાહકારોનો હાલમાં શ્રેષ્ઠ અંદાજ એ છે કે દરેક મૃત્યુ દીઠ 1000 પોઝીટીવ કેસ છે જે સૂચવે છે કે હાલમાં યુકેમાં લગભગ 140,000 પોઝીટીવ કેસ હોઈ શકે છે. જેઓ પોતાના ઘરે જાતે જ આઇસોલેશનમાં રહે છે.
સત્તાવાર આંકડા મુજબ લંડન યુકેના સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે અને અન્ય ક્ષેત્ર કરતાં કોરોનાવાયરસના ત્રણ ગણા વધુ કેસ છે. રાજધાનીમાં સધર્ક, વેસ્ટમિંસ્ટર, લેમ્બેથ, વેન્ડ્સવર્થ, કેન્સિંગ્ટન અને ચેલ્સિ યુકેમાં 10 સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે, જેમાં પ્રત્યેક બરોમાં 50થી વધુ કેસ નોંધાયા છે. લંડનમાં યુકેના ચેપના ત્રીજા ભાગ કરતાં વધુ એટલે કે 2,626 કેસો જોવા મળ્યા છે. તેની તુલનામાં, બીજો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ છે. હેમ્પશાયર (77 કેસો), સ્થાનિક સ્તરે ભોગ બનેલો સૌથી મોટો વિસ્તાર છે. તે પછી હર્ટફોર્ડશાયરમાં (50) અને સરેમાં (39) કેસ નાંધાયા છે.
ઇટાલીમાં 99% લોકોના મૃત્યુ પાછળનુ કારણ અન્ય બીમારી
ઇટાલીની આરોગ્ય સેવા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇટાલીમાં થયેલા 99 ટકા મૃત્યુ તબીબી સમસ્યાઓવાળા દર્દીઓના થયા છે. 355 લોકોના મરણ અંગે સંશોધન કરાતા જાણવા મળ્યુ હતુ કે કોરોનાવાયરસનો ચેપ લાગ્યો તે પહેલા માત્ર 0.8 ટકા લોકોને જ કોઇ બીમારી નહોતી. જ્યારે મોતને ભેટેલા અન્ય તમામ લોકો કોઇને કોઇ બીમારી ધરાવતા હતા. મોતને ભેટેલા લગભગ અડધા એટલે કે 48.5 ટકા લોકોને કોવિડ-19 હોવાનું નિદાન થયુ તે પહેલાં તેઓ ત્રણ કે તેથી વધુ બીમારી ધરાવતા હતા. બીજા 25.6. ટકા પાસે બે અન્ય બીમારી અને 25.1 ટકા લોકો પાસે એક બીમારી હતી.
અધ્યયન મુજબ ઇટાલીમાં મોતને ભેટેલા આ લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ અને ડાયાબિટીઝની સામાન્ય સમસ્યાઓ હતી. તેમાં જાણવા મળ્યું છે કે કોવિડ – 19થી મૃત્યુ પામેલા 76.1 ટકા લોકોને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હતી.
યુકેમાં ક્યં કેટલા મૃત્યુ નોંધાયા
સ્થાન મૃત્યુ
લંડન 37
સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ 18
સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ 2
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ 9
નોર્થ ઇસ્ટ અને યોર્ક્સ 4
મિડલેન્ડ્સ 26
ઇસ્ટ ઇંગ્લેન્ડ 3
ઇંગ્લેંડ કુલ 128
નોર્ધર્ન આયર્લેન્ડ 1
વેલ્સ 2
સ્કોટલેન્ડ 6
બ્રિટન કુલ 137